જવાહર નવોદય વિદ્યાલય ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં શાળા વ્યવસ્થાપન સમિતિ સભાનું આયોજન
સિંધુઉદય ન્યુસ
દાહોદ, તા. ૧૩ : જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ સભાનું આયોજન ગત તા. ૧૧ના રોજ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં કરાયું હતું. બેઠકમાં શાળા વ્યવસ્થાપનને લગતા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ આ અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં. તેમજ શાળાને વધુ સારી રીતે ચલાવવા માટે સહકારની ખાતરી આપી હતી.
કલેક્ટરશ્રીએ વિદ્યાલય ભોજનાલયનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમને વિવિધ વિભાગો તથા શાળાના બાળકો સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે શાળાના કાયમી મકાનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને શાળાના બાંધકામની કામગીરી જલ્દી પૂરી કરવા સુચના આપી હતી.
સભાની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. શાળાના સંગીત સમૂહ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી દ્વારા મહેમાનોનું શાલ, શ્રીફળ તથા ફૂલછડી દ્વારા તથા વિદ્યાર્થીઓએ બનાવેલ ચિત્રો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ શાળાને સુચારુ રીતે ચલાવવા માટે સહકાર બદલ જીલ્લા વહીવટ તંત્રનો આભાર માન્યો હતો.
બેઠકમાં લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, સમિતિના અન્ય સદસ્યોના રૂપમાં શ્રી નરેન્દ્ર હાંડા ચીફ મેડીકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ, દાહોદ, નાયબ ઇજનેર શ્રી લીમખેડાના ડી.એમ.ભટ્ટ, શ્રી ગોપીકુમાર પટેલ, આચાર્ય મોડલ સ્કૂલ લીમખેડા તથા આચાર્ય શ્રી કૌસર પઠાણ, જી.આર. એસ. સ્કૂલ, લીમખેડા, વિધાલયના શિક્ષિકા આશા દાવરે શાળાના પી.ટી.સી. સભ્યશ્રી કનુભાઈ હઠીલા તથા શ્રીમતી દુપાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.



