ધોરણ ૧૦મા ત્રણ વિષયમાં નાપાસ આજે કોલેજમાં પ્રોફેસર બન્યા
નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
નડિયાદના યુવાનની સંઘર્ષમય કહાની ધોરણ ૧૦મા ત્રણ વિષયમાં નાપાસ આજે કોલેજમાં પ્રોફેસર બન્યા
નડિયાદ: ધોરણ ૧૦માં ત્રણ વિષયમાં નાપાસ, પરિવારનું ગુજરાન ચલાવવા કડિયાકામ કર્યું; આજે ૩૪ વર્ષની ઉંમરે પ્રોફેસર બન્યો મજૂરી કરી ભણતરનો પાયો મજબૂત કરનાર નડિયાદના પીપળાતાના દિલીપ ઓડ આજે કોલેજમાં પ્રોફેસર બની હજારો સ્ટુડન્ટના ભાવિનો પાયો મજબૂત કરી રહ્યા છે
નડિયાદના નાનકડા ગામ પીપળાતાના દિલીપ ઓડ સામાન્ય દરજી કામ કરતા પીપળાતા ગામના વતની એવા ૬૪ વર્ષિય અશોકભાઈ ડાહ્યાભાઈ ઓડનો ૩૪ વર્ષિય પુત્ર ડો.દિલીપકુમાર ઓડ કે જેમણે નાની વયે જ મોટી નામના મેળવી છે. એટલું જ નહી દિલીપભાઈએ પોતાની આગળ ‘ડોક્ટર’ પદવી હાંસલ કરવા જીવનની અનેક અગ્નિ પરીક્ષામાંથી ગુજર્યા છે. ડો. દિલીપભાઈ ઓડે નાનપણથી મોટો થઈને પ્રોફેસર બનીશ એવુ સ્વપ્ન જોયું હતું.
અને આ પોતાનું સ્વપ્નું સાકાર કરવા તનતોડ મહેનત કરવા ખરા ઉતર્યા છે. તેઓએ જીવનની તમામ કસોટીઓમાંથી પસાર થયા છે. જેમાં તેઓ ક્યારેય નિષ્ફળતા મળી, તો ક્યારેક સફળતા, નિષ્ફળતાઓમા પણ તેઓ સેજ પણ ગભરાયા, ડર્યા વિના સામનો કર્યો અને નિષ્ફળતાને જ સફળતાની સીડી બનાવી દીધી હતી. દિલીપભાઈની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. તેઓને વર્ષ ૨૦૦૪ મા SSCમા પ્રથમ વાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પોતે અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગણિત એમ ૩ વિષયમાં નાપાસ થયા અને એમાં પણ ગણિતમાં તો સૌથી ઓછા માત્ર ૨૦ માર્કસ મળ્યા હતા. તેમ છતાં હિંમત ન હારતા ફરીથી ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા આપીને પાસ થાય ત્યારબાદ તેમણે પોતાના ભણતરમાં પાછું વળીને જોયું જ નથી. વર્ષ ૨૦૦૭-૦૮મા કિશોર અવસ્થામાં તેમણે ઘરની આર્થિક પરિસ્થિતિને પહોચી વળવા અને પિતાને મદદરૂપ થવાના હેતુથી કડીયા કામની કાળી મજૂરીમા જોતરાયા હતાં. કિશોર વયની ઉંમર હોવાથી કોન્ટ્રાક્ટરો દિલીપભાઈને રેતી ચારવાનુ કે રેતી, સિમેન્ટનો માલ બનાવવા જેવી મજૂરીનું કામ સોંપતા અને તેમને રોજ ટૂંકું મહેનતાણું આપતાં હતાં. તેઓએ નવરાત્રીના સમયે પોતાના મોટાભાઈ સાથે મળીને કોઇની પાસેથી ઉછીના પૈસા લઈને ફુગ્ગા વેચવાનું પણ કામ કર્યું છે અને એ પૈસામાંથી દિવાળી ઉપર જે નવા વર્ષની અપેક્ષિતો આવતી તે પોતાના અભ્યાસાર્થે લાવતા.
દિલીપભાઈએ પછી ધીરે ધીરે આગળ ભણતા ગયા વર્ષ ૨૦૦૭મા HSC પાસ કર્યું. તે બાદ નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમા એડમિશન મેળવી B.A કર્યું. આજ કોલેજમાંથી M.A., B. ED., અને M. ED., જેવી ડિગ્રી તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીમાથી M.Phil મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરમાંથી અને છેલ્લે Ph.D વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાંથી કર્યું. છેલ્લે ૨૦૨૦ સુધી તેઓએ પોતાનો અભ્યાસ સતત ચાલુ રાખ્યો હતો. આ વચ્ચે જે કોલેજમાંથી B.A. થયા તે કોલેજમા અમૂક વર્ષો ટેમ્પરરી લેક્ચરર તરીકે નોકરી કરી હતી. ૬ ડીગ્રીઓ હાંસલ કર્યા બાદ વર્ષ ૨૦૨૧માં પેટલાદ તાલુકાના શાહપુર ગામે આવેલ પી. એમ. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ-૧૧-૧૨ માં નોકરી મળી હતી તેમ છતાં તેમને માનસિક સંતોષ નહોતો અને પોતે એક દિવસ જરૂર પ્રોફેસર બનશે તેવા સ્વપ્ના જોતા હતા. આજે તેઓનું સ્વપ્નું સાકાર થયું છે અને થોડા દિવસ પહેલાં જ મહિસાગર જિલ્લાની બાલાસિનોર ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તેમની પસંદગી પ્રોફેસર તરીકે થઈ છે.
ડો.દિલીપકુમાર ઓડ અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. પોતાની આર્થિક પરિસ્થિતિ જોઈને હિમ્મત હારી ન જતા અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી એમ દિલીપકુમાર ઓડે સાબિત કરી બતાવ્યું છે. આજે તેઓ ખૂબ જ ખુશ છે અને પોતાના સમાજનું તેમજ પોતાના ગામનું નામ રોશન કર્યું છે.
મારા પાયામાં ૬૪ વર્ષિય પિતા અશોકભાઈ ડાહ્યાભાઈ ઓડ, ૫૮ વર્ષિય માતા ભાનુબેનનો પરસેવો રહેલો છે. તો જે કંઈ પણ છું તે મારા માતાપિતા અને મોટાભાઈ તથા નાનાભાઈ થકી જ છું કારણ કે મારા મોટાભાઈ અશ્વિનભાઈ પોતે ફોટોગ્રાફીના વ્યવસાય કરે છે તો નાનો ભાઈ યોગેશ એડવોકેટ છે. મારા મોટાભાઈ ભણ્યા નથી પણ અમને બન્ને ભાઈઓને ભણાવ્યા છે. મારા મોટાભાઈ મને કહેતા કે દિલીપ તુ ભણ ફી કે કોઈ જાતની ચિંતા ન કરીશ. હજુ ગયા વર્ષ સુધી અમે ભડાના મકાનમાં રહેતા હતા એ બાદ વર્ષ ૨૦૨૨મા જ અમે ગામમા સોસાયટી વિસ્તારમાં પોતાનું મકાન લીધું છે. વધુમાં દિલીપ ઓડે જણાવ્યું છે કે, અમે જે સમાજમાંથી આવે છે એ લોકો મોટેભાગે ઈંટોના ભઠ્ઠા પર કાળી મજૂરી કરે છે અને ઘરનું ગુજરાન ચલાવતાં હોય છે. મારી લાઈફ ઘણાં ઉતાર, ચઢાવ આવેલા છે આમ છતાં પણ મે હિંમત અને ધેર્ય રાખી તમામ મુસીબતોનો સામનો કર્યો છે. ધોરણ ૧૦ની પરીક્ષામાં નપાસ થતાં મળેલ હતાસાથી જ મે મારી લાઈફને ક્યાં લઈ જવી તે નક્કી કરી લધી હતી. ટાટની પરીક્ષા પણ પાસ કરી પણ શિક્ષક કરતાં મને જે મારુ સ્વપ્ન હતું પ્રોફેસર બનાવું તે માટે હું સતત પ્રયત્ન કરતો હતો અને તેમા આજે સફળતા મળતા મે શિક્ષકની નોકરી છોડી પ્રોફેસર બન્યો છું. દોઢ વર્ષ શિક્ષકની નોકરી કર્યા પછી મારુ આજે પ્રોફેસર બનવાનું સ્વપ્ન સાકાર થયું છે. આ માટે મારી ઘરની આર્થિક પરિસ્થિતિ, ધોરણ ૧૦મા ૩ વિષયમા નપાસ સહિત અનેક પરિબળોનો સામનો કર્યો છે. મે નાનપણમાં કડીયા કામની કાળી મજૂરી કરી છે એટલે કે કિશોર અવસ્થા દરમિયાન કડીયા કામમા રેતી ચારવી અને રેતી સીમેન્ટના માલના તગારા ઉપાડી બીજા માળ સુધી લઈ જવાની મજૂરી કરી છે. અને આમ ભણતરનો પાયો મજબૂત કર્યો છે. આજે દિલીપ ઓડે આવા સંઘર્ષ કરી બાલાસિનોર કોલેજમાં પ્રોફેસર તરીકે નિમણૂક થતાં તેઓ અને તેમના પરિવારજનોમાં ખાસ આનંદનુ વાતાવરણ ઊભુ થયુ છે. કોલેજના આ પ્રોફેસર આજે હજારો સ્ટુડન્ટના ભાવિનો પાયો મજબૂત કરી રહ્યા છે. અને વિદ્યાર્થીઓના રોલ મોડલ બન્યા છે.