પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની ૭ દિવસીય તાલીમ શિબિર યોજાઇ

દાહોદ તા.૧૪
દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામના શ્રી કબીર આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતીની ૭ દિવસની બાયસેગ દ્વારા તાલીમ યોજાઇ હતી. આત્મા પ્રોજેક્ટ, દાહોદ દ્વારા પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિગતે જણાવવામાં આવ્યા હતા. ખેતીના તમામ તબક્કામાં પ્રકૃત્તિ સાથેનું સંયોજન અને જતુંનાશક દવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચમાંથી મુક્તિ એટલે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ શૂન્ય આવે છે અને પાણીની જરૂરીયાત પણ નહિવત્ રહે છે. પ્રાકુતિક ખેત પેદાશ રાસાયણીક અવશેષોમુકત હોવાથી બજારમાં સારા ભાવો મળી રહે છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય ચાર સિધ્ધાંતો બીજામૃત, આચ્છાદન, જીવામૃત, વાપસા સમજાવવામાં આવ્યા હતા. બીજામૃત બીજ સંસ્કાર દ્વારા બીજનું સુરક્ષા કવચ, આચ્છાદન વધારે હયુમસ આપે વધારે ફળદ્વુપતા, જીવામૃત જેમાં ગાયના ગોબરના ઉપયોગ થી જીવાણુંઓનું જતન કરવામાં આવે છે. અને વાપસા છોડને પાણીની નહી પણ ભેજની જરૂર છે જેવી બાબતો જણાવવામાં આવી હતી. ઉપરાંત રોગ અને જીવાણુંઓનું નિયંત્રણ કરવા માટે નિમાસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ તાલીમમાં જણાવવામાં આવ્યું હતું.
તાલીમમાં દાહોદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે મહત્તમ પ્રયાસ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તાલીમમાં જિલ્લાના ૩૫૬ ખેડૂત મિત્રો સહિત ૭૧૫ માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા હતા જે જિલ્લાના દરેકે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી શીખવશે. સાથે સાત દિવસની તાલીમમાં જોડાયેલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા અને માર્ગદર્શન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.
૫ ડિસેમ્બરથી શરૂ થયેલી આ તાલીમના સમાપન દિવસે શ્રી કબીર આશ્રમના મહંત સ્વામી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પ્રભાવિત થયા હતા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું. આ માટે ખેડૂતોને પ્રેરણા મળી રહે તે માટે ૧૦૦ ગાયો આપવાનું વચન પણ આપ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તેમજ ખેતીવાડી, બાગાયત, આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડુતો દ્વારા હાજર રહી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: