દાહોદ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

દાહોદ, તા.૧૪
ધાનપુર તાલુકાના અંતરીયાળ બોઘડવા ગામની દીકરી પુષ્પા પટેલ જે હજુ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે તે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતમાં આખા ગુજરાતમાં પ્રથમ નંબર લાવે એ કોઇ નાની ઘટના નથી. ગર્વ અને હરખની લાગણી સાથે ઉચ્ચારાયેલા આ શબ્દો છે રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડના. રાજયમાં યોજાયેલા ખેલ મહાકુંભ ૨૦૧૯ અન્વયે દાહોદ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ દેવગઢ બારીયા તાલુકાના જયદિપસિંહજી જિલ્લા રમત સંકુલ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લાના ખેલાડીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના ખેલાડીઓ ધણા પ્રતિભાશાળી છે. આ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દાહોદનું નામ રોશન કરશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૦ થી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. એમની એ દીર્ધદષ્ટીને પરીણામે અત્યારે ગામે ગામ ખેલાડીઓ મળી રહ્યા છે અને દેશ અને દુનયામાં મેડલ મેળવી રહ્યા છે. આ વર્ષે દાહોદ જિલ્લાના ૯૨૧૭૫ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. આ સૌ ખેલાડીઓને બિરદાવું છું અને ઉચ્ચ શિક્ષણ, સારી કારકિર્દી સાથે રમતમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેળવો તેવી મારી શુભેચ્છા છે.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે રાજય સરકાર પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરી છે તેની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે ખેલમહાકુંભમાં ફેર પ્લે એવોર્ડ, શક્તિદૂત યોજના, જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના જેવી અનેક યોજનાઓથી રાજય સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહી છે. પરીણામે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પ્રસંગે તેમણે મુરલી ગાવિત અને કું. સરિતા ગાયકવાડનું ઉદાહરણ આપી તેમનામાંથી પ્રેરણા લેવા જણાવ્યુ હતું.
દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સૌથી વધારે પ્રતિભાશાળી ખેલાડીઓ આવતા હોવાનું જણાવી સૌ ખેલાડીઓને બિરદાવ્યા હતા.
દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૧૯ અન્વયે વિવિધ રમતોના ૩૦૦૫ ખેલાડીઓને આજ રોજ પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને રોકડ ઇનામ રૂ. ૪૨ લાખ પણ સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
કાર્યક્રમમાં કુલ ૩૧ ખેલાડીઓનું મંત્રી શ્રી બચુભાઇ ખાબડના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાની હોકીની અંડર ૧૪ બોયસ અને ગર્લ્સ ટીમ બંને ટીમો ગુજરાત રાજયમાં હોકીની રમતમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. અંડર ૧૭ હોકીની ગર્લ્સ ટીમ પણ હોકીમાં ગુજરાતમાં પ્રથમ આવી ગોલ્ડ મેળવ્યો છે તેમને પણ ઇનામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત એથ્લેટીકસ, આર્ચરી, જુડો, કુસ્તી, સ્વીમિંગ, ચેસ, ચક્રફેક જેવી વિવિધ રમતોમાં મેડલ મેળવનાર ૩૧ જેટલા ખેલાડીઓ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશ પારગી, દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખ શ્રી ફારૂખભાઇ જેથરા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા, નગર પાલિકાના ઉપપ્રમુખશ્રી દક્ષાબેન, રમત ગમત પ્રવૃતિઓના પૂર્વ મંત્રી શ્રીમતી ઉર્વશી દેવી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ.બી.પ્રજાપતિ, તાલુકાના પ્રાંત અધિકારી શ્રી એ.આઇ.સુથાર, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી, જિલ્લાના ખેલાડીઓ, શિક્ષકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: