નડિયાદ પોલીસ વિભાગ અને સખી વન સ્ટોપ સેન્ટરની ઉત્કૃષ્ટ કામગીરી

નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
નડિયાદ પોલીસ વિભાગ અને સખી વન સ્ટોપ સેન્ટરની ઉત્કૃષ્ટ કામગીરી

નડિયાદ: મધ્ય પ્રદેશથી ૭ માસની બાળકી સાથે ભુલા પડેલા માનસિક અસ્વસ્થ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરે તેના વતન સલામત રીતે પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું. ખેડા નડીયાદ સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને ૧૦ દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવતા સખી વન સ્ટોપ સેન્ટર અને નડીયાદ પોલીસની સરાહના કરી હતી.
ખેડા જીલ્લામાં કલેક્ટર  કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શ્રી “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૭ માસની બાળકી સાથે માનસિક રીતે અસ્વસ્થ મહિલાને લાવવામાં આવ્યા હતા. મહિલાને બાળકી સાથે સેન્ટરમાં તમામ સુવિધાઓ સાથે આશ્રય આપી તેમનું કાઉન્સલિંગ કરતા માલુમ પડ્યું કે બહેન મધ્ય પ્રદેશમાં જાબુઆ જિલ્લાના પેટલાવદ ગામના વતની છે. પરંતુ તેઓ પાસે કોઇ સંપર્ક નંબર ન હતો તેથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પેટલાવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મહિલાના પરિવારની તપાસ કરાવતા તેના માતા-પિતા અને પતિની જાણ થઇ. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારનો સંપર્ક સાધી મહિલાને અને બાળકીને ખેડા જીલ્લાના મહિલા અને બાળ અધિકારી શૈલેશ અંબારીયા અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી  હીનાબેન ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ તેમના વતન મુકવા જવાની તજવીજ શરૂ કરી. નડિયાદના જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ ગઢિયાની મદદ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી.ચૌહાણ દ્વારા વાહન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અને સખી વન સ્ટોપ સેન્ટર નડીયાદના કેન્દ્ર સંચાલક શબાનાબાનું એલ મલેક તેમજ મહિલા કોનસ્ટેબલ લક્ષ્મીબેન બેન, ૫૭૮ અને કુંજનભાઇ બે.ન.પા દ્વારા બહેનને તેમના મુકામ પેટલાવદ પોલીસ સ્ટેશનમાં તેમના પતિને તેમની બહેનની હાજરીમાં સલામત રીતે સોંપવામાં આવ્યા હતા.  નડિયાદ પોલીસ વિભાગે ભજવી સમાજને માવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોમાં એક આશા જીવંત રખાવી કે માનવતા હજી જીવંત છે. ઉલ્લેખનીય છે કે સખી વન સ્ટોપ સેન્ટર ર૪ કલાક મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત રહે છે. આ સેન્ટરમાં મહિલાઓ એક જ છત નીચે પાંચ પ્રકારની સહાય જેમાં આશ્રય, કાઉન્સેલિંગ તબીબી, પોલીસ અને કાનુની સહાય મહિલાઓને નિ:શુલ્ક અપાય છે. સખી વન સ્ટોપ સેન્ટર ભારત સરકારનું સેવા અર્થે પુરસ્કૃત સેન્ટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!