ગિનિસ બુક વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર દાહોદના ૧૦ વિદ્યાર્થીઓનું કલેક્ટરશ્રી વિજય ખરાડીએ કર્યુ સન્માન

દાહોદ, તા.૧૭
દાહોદ શહેરના ૧૦ વિદ્યાર્થીઓ જેમણે વિશાળ માનવ આકૃતિ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે તેમનો સન્માન સમારોહ, દાહોદ શહેરના જલારામ પેલેસમાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સન્માનીત અને પ્રોત્સાહિત કર્યા હતા.
ગત વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૮માં અમદાવાદ ખાતે શૈક્ષણિક સંસ્થા યુસીમાસ દ્વારા યોજાયેલા સમારંભમાં વિદ્યાર્થીઓએ આ રેકોર્ડ બનાવ્યો હતો. દાહોદના તસ્યા પરીખ, નિધિ મોટવાણી, અલીઅસગર વીજળીવાળા, ફિઓનાવાળા, દક્ષ પટેલ, જય પટેલ, કૃષાંગી પરમાર, ધ્રુવા ગરાસીયા, આર્જિકા તલાટી, મૃગાંક ડાંગીએ આ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ વખત વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને બિરદાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ફકત અભ્યાસ જ નહી એ સિવાયની ઇતરપ્રવૃતિઓમાં પણ ભાગ લઇ સ્વવિકાસ કરવો જોઇએ. વિવિધ રમત ગમત પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. અને જીવનમાં આવનારી કોઇ પણ મુસીબતનો સામનો કરવા કાબેલ બને છે.
યુસીમાસ જે બાળકોના શૈક્ષણિક અને વિવિધ ઇતર પ્રવૃતિઓ દ્વારા માનસિક વિકાસનું કાર્ય કરે છે તેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: