દાહોદના હેડ કોન્સ્ટેબલે અથાક મહેનતથી એથ્લેટિક્સમાં મેળવ્યા ૫૩ મેડલ્સ
કોઇ પણ રાજ્યની પ્રજા રાત્રે ત્યારે જ શાંતિથી, નિશ્ચિંત સૂઇ શકે જ્યારે, પોલીસ તંત્રના સશક્ત જવાન તમામ પ્રતિકૂળતાઓનો સામનો કરી રક્ષા કરે ! એવી જ રીતે, ગુજરાતનું પોલીસ તંત્ર આંતરિક સુરક્ષાને બખૂબી મજબૂત કરી રહ્યું છે. એટલે જ રાષ્ટ્રપતિશ્રીના અલંકરણથી સમગ્ર પોલીસ તંત્રને નવાજવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ માત્ર સુરક્ષામાં જ નહીં, પણ ખેલકુદમાં પણ અગ્રેસર રહી રાજ્યને ગૌરવ અપાવી રહ્યું છે, એ વાતની પ્રતીતિ દાહોદ પોલીસના હેડ કોન્સ્ટેબલ શ્રી સોમાભાઇ હઠીલા કરાવી રહ્યા છે. તેમણે એથ્લેટિક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં ૫૩ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમને દાહોદના મિલ્ખાસિંઘ કહેવામાં કશી અતિશિયોક્તિ નથી ! એમની સફળતાની પાશ્ચાદભૂમાં ખેલ મહાકુંભ રહેલો છે.
શ્રી સોમાભાઇ હઠીલાની વાત અન્યો માટે પ્રેરણારૂપ છે. અઢી દાયકા પૂર્વે, યુવાની કાળમાં દાહોદની એક કોલજમાં દોડની સ્પર્ધામાં ભાગ લેવા ગરબાડાથી તેઓ આવ્યા ! પણ આવીને ખબર પડી કે પસંદગી પ્રક્રીયા તો પૂર્ણ થઇ ગઇ. તેમણે કોલેજના સંચાલકોને વિનંતી કરી. બહુ જ પ્રયત્નો પછી સંચાલકો બપોર બાદ ફરી પસંદગી પ્રક્રીયા કરવા માટે રાજી થયા !
કોલેજકાળની આર્થિક કડકાઇને કારણે બપોરે એક કચોરી ખાધી અને ઉઘાડા પગે દાહોદની કોલેજના મેદાનમાં તેઓ દોડ્યા ! પ કિ. મિ., ૧૦ કિ. મિ. અને ૧૫૦૦ મિટરની દોડની સ્પર્ધામાં તેઓ પસંદગી પામ્યા. બાદ, આંતર કોલેજ સ્પર્ધામાં સોમાભાઇ ૫ કિ. મિ.માં ત્રીજો અને ૧૦ કિ. મિ.માં પ્રથમ નંબરે રહ્યા. આમ, રનિંગ તેમનું પેશન બની ગયું. વર્ષ ૧૯૯૭માં રનિંગને કારણે જ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી. જીવનની ઘટમાળ વચ્ચે તેમનું રનિંગ ચાલું રહ્યું. પરંતુ, તેમાં સ્પર્ધા તત્વ નહોતું.
વર્ષ ૧૯૯૭થી છેક ૨૦૧૩ સુધી તેઓ નોકરીમાં વ્યસ્ત રહ્યા. એવામાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો. સોમાભાઇના માહ્યલામાં રહેલો ખેલાડી જાગી ગયો અને ખેલ મહાકુંભમાં દોડની કેટેગરીમાં પોતાનું નામ નોંધાવ્યું. જેમાં દાહોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવ્યા. એટલે, તેઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શક્યા નહી. પણ, વર્ષ ૨૦૧૩માં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માસ્ટર એથ્લેટિક્સમાં ૮૦૦, ૧૫૦૦ મિટર અને પાંચ કિ. મિ. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો !
એ પછીના વર્ષ ૨૦૧૪માં તેમણે ખેલ મહાકુંભમાં ગરબાડા તાલુકામાંથી એન્ટ્રી કરાવી. જેમાં તેઓ ૧૫૦૦ અને ૮૦૦ મિટર દોડમાં પ્રથમ તો આવ્યા પણ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ચતુર્થ ક્રમે જ રહ્યા. તેઓ નિરાશ થયા નહીં ! સોમાભાઇએ પ્રેક્ટિસ વધારી. એ દરમિયાન, તેઓ તરણ સ્પર્ધામાં પણ વિજેતા બન્યા. આ જ વર્ષમાં નેશનલ ગેમ્સની ૪૫ વર્ષથી ઉપરની કેટેગરીમાં ભાગ લીધો પણ તેમાં સફળતા મળી નહીં.
આવા સંજોગોમાં ગુજરાત પોલીસની ડીજી કપ સ્પર્ધા તેમના માટે આશીર્વાદરૂપ સાબીત થઇ. આ કપ માટે તેમની પસંદગી થઇ. ગાંધીનગરમાં કરાઇ ખાતે પોલીસ મહાશાળા ખાતે શ્રી સુરેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી દોડની વૈજ્ઞાનિક ઢબની તાલીમ મળી. ડીજી કપની દોડની વિવિધ શ્રેણીમાં તેમણે મેડલ મેળવ્યા.
એ બાદ ઉત્તરોત્તર, હૈદરાબાદ, હરિયાણા, મૈસુર, નાસિક, બેંગલુરુ અને ગંતુર ખાતે યોજાયેલી દોડની રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધામાં તેઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોંઝ મેડલ મેળવી વિજેતા બન્યા.
તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયા માસ્ટર એથ્લેટિક્સની ૨૦૧૭માં રૂગાવો (ચીન), ૨૦૧૮માં માલાગા (સ્પેન) અને ૨૦૧૯માં કુચિંગ (મલેશિયા)માં ભાગ લીધો. તેમની પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના ચાર બ્રોંઝ મેડલ છે. મલેશિયાની સ્પર્ધામાં વિજેતા થઇ દાહોદ આવ્યા ત્યારે, સોમાભાઇનું રેલ્વે સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાબત દાહોદવાસીઓનો તેમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે.
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ તેમને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવે છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર કહે છે, અમારા હેડ કોન્સ્ટેબલ શ્રી સોમાભાઇ હઠીલા પોલીસ તંત્ર માટે ગૌરવરૂપ છે. પોલીસ તંત્ર દ્વારા તેમને પ્રેક્ટિસ માટે પૂરતો સમય આપવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે અનુકૂળતા કરી આપવામાં આવે છે. રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેમને અત્યાર સુધીમાં અંદાજે ચારેક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક અધિકારીઓ દ્વારા અંગત રીતે પણ આર્થિક મદદ કરવામાં આવી છે.
આમ, ખેલ મહાકુંભના કારણે શરૂ થયેલી સફળતાની યાત્રા આજ દિન સુધી ચાલું છે. તેમની સફળતાનો ગ્રાફ જોઇએ તો રાજ્ય કક્ષાએ ૨૫ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોંઝ, રાષ્ટ્રીય કક્ષાએ ૧૨ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોંઝ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૪ બ્રોંઝ મેડલ મેળવ્યા છે.
આ સફળતા પાછળ સોમાભાઇની તનતોડ મહેનત અને પોલીસ વિભાગનો સપોર્ટ કારણભૂત છે. આ હેડ કોન્સ્ટેબલ માત્ર ગુજરાત પોલીસ જ નહીં, સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ છે.