નડિયાદના પાલૈયામા એક શખ્સે જમીનના નાણાં લેવા આવેલા પૂજારીને છરીથી હુમલો કરી આંગળી કાપી નાખી
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ તાલુકાના પાલૈયા તાબે ભગતની મુવાડીમાં સ્થાયી થયેલા ૪૩ વર્ષિય હરદીપસિગ મખ્ખનસિગ સઘુ સાગરરાજજી મહારાજ ગામમાં આવેલ આદેશ આશ્રમમાં ભોળાનાથના મંદિરમાં સેવા પૂજા કરે છે. આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા અહીયા રહેતા અને દિનેશભાઈ સોલંકીના સગા પાસેથી આશ્રમની બાજુમાં આવેલ આશરે જમીન ત્રણ લાખ રૂપિયામાં વેચાણ રાખેલ હતી. જમીન બાબતે પૈસા આપ્યા હોવા છતાં જમીન પોતાના નામે ન થઈ આ બાબતે કોઈ કાગળો આપ્યા ન હતા જોકે બાદમાં જમીનના રૂપિયાની માંગણી કરતા આ વ્યક્તિઓ રૂપિયા પણ ન આપતા. આમ જમીન બાબતે રૂપિયા આપ્યા હોવા છતાં જમીન પોતાના નામે ન થતા છેવટે પૂજારીએ જમીન છોડી પોતાના રૂપિયા મેળવવા પ્રયાસ કરતાં હતાં. પૂજારી ને પૈસા ની જરૂરીયાત હોવાથી ગઇ કાલ સાંજના તેઓ દિનેશભાઈ સોલંકીના ઘરે ગયા હતા. ત્યારે દિનેશભાઈ સોલંકી સોફા ઉપર બેઠા હતા અને પૂજારી પહોંચી ઉપરોક્ત બાબતે પૈસા માંગતા દિનેશ સોલંકી એકદમ આક્રોશમાં આવી ગયા અને પૂજારી પાસે રહેલી દાતણ કાપવાની છરી દિનેશે લઈ પૂજારી પર હુમલો કર્યો હતો. પૂજારીના ડાબા હાથની પહેલી આંગળીના ભાગે છરી મારી દેતા આંગળી કપાઈ ગઈ હતી.આંગળીનો તૂટેલો ભાગ પડી ગયો હતો. આ બાદ ગંભીર રીતે ઘાયલ પૂજારી હરદીપસિગ મખ્ખનસિગ સઘુ ઉર્ફે સાગરરાજજી મહારાજને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલ અને એ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ બનાવ મામલે પૂજારી એ ચકલાસી પોલીસમાં દિનેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.