આદિવાસી સમાજ ના લગ્નો માં થતા ખોટા મોટા ખર્ચાઓ ને રોકવા તથા દહેજ દારુ ડીજે ને દૂર કરવા ચર્ચા વિચારણા બેઠક યોજાઇ.
નીલ ડોડિયાર
દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ આદિવાસી સમાજ ના લગ્નો માં થતા ખોટા મોટા ખર્ચાઓ ને રોકવા તથા દહેજ – દારુ- ડીજે ને દૂર કરવા માટે ના અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર ના માનનીય મંત્રી શ્રી (આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો. કુબેર ભાઈ ડીંડોડ સાહેબે આજ રોજ સવારે સમાજ ના આગેવાનો સાથે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ચર્ચા વિચારણા બેઠક માં હાજરી આપી હતી. બિરસા મુંડા ભવન દાહોદ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. કે આર ડામોર સાહેબ તથા અન્ય આગેવાનો દ્વારા માનનીય મંત્રી શ્રી નું નોટ બુકો તેમજ આદિવાસી ઝુલડી અને તીર કામઠું ભેટ આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય મંત્રી શ્રીએ સમાજની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૩૩ મુદ્દા ના મુસદ્દારૂપ બંધારણ પર સમાજના ઉપસ્થિત આગેવાનો સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરી હતી. કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા અને આ બંધારણ ને આવકાર્યું હતું. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ તથા ભીલ સમાજ પંચ દાહોદ તેમજ અન્ય સંગઠનો તથા આગેવાનો એ સાથે મળીને તૈયાર કરેલા ત્રણ જીલ્લા માટેના આ લગ્ન બંધારણ નો અમલ કરવા – કરાવવા માં તેમના તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બંધારણ નો અસરકારક અમલ કરવા માટે સમૂહ લગ્નો નું આયોજન કરવા માટે પણ તેમણે હાકલ કરી હતી. સમૂહ લગ્નોમાં સરકાર તરફથી ચાલતી યોજનાઓ નો પણ લાભ મળી શકશે તેમ જણાવ્યું હતું. આ કામગીરી કરવા બદલ સમગ્ર ટીમ તથા બિરસા મુંડા ભવન ને સફળતા ની શુભકામનાઓ પાઠવી હતી. માનનીય મંત્રી શ્રી એ આદિજાતિ વિકાસ અને શિક્ષણ ના મુદ્દે પણ આદિવાસી સમાજ ને ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા અને આદિવાસી હસ્તકલા ના માધ્યમથી સૌની સાથે હરિફાઈ કરવા માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ તથા આદિજાતિ વિકાસ ને લગતા સમાજને ફાયદાકારક લાગતા હોય તેવા કોઈપણ સૂચનો કે મંતવ્યો હોય તો તેઓના ધ્યાનમાં લાવવા માટે સૌ ઉપસ્થિત આગેવાનો ને વિનંતી કરી હતી. ખાસ કરીને આપણા વિસ્તારમાં શિક્ષણ ની જવાબદારી જ્યારે આપણા સમાજ ના જ મોટાભાગના શિક્ષક મિત્રો સંભાળી રહ્યા છે અને તેઓ સ્થાનિક કક્ષાએ નોકરી કરી રહ્યા છે ત્યારે સૌએ ખુબ નિષ્ઠાપૂર્વક મહેનત કરીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ અને તે રીતે સમાજમાં શિક્ષણ ની ગુણવત્તા વધુ ઉંચે લઈ જવામાં કમર કસવી જોઈએ તેમ જણાવ્યું હતું. શિક્ષણ ને લગતા કોઈ પણ કામે ગમે ત્યારે તેઓ સમાજને ઉપલબ્ધ રહેશે તેની ખાતરી આપી હતી. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના કન્વિનર શ્રી આર એસ પારગી સાહેબ દ્વારા માનનીય મંત્રી શ્રી નો આભાર માન્યો હતો અને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.