દાહોદમાં વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન

SINDHUUDAY NEWS

દાહોદમાં વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન
સામાન્ય નાગરિકો વ્યાજખોરીની ચુંગાલમાં ના ફસાય એ માટે સરકાર પ્રતિબદ્ધ – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર
દાહોદમાં વ્યાજખોરો સામે જિલ્લા પોલીસનું વ્યાપક જનજાગૃતિ અભિયાન

વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ પોલીસ હેડ કવાર્ટર, પોલીસ પરેડ ગાઉન્ડ દાહોદ ખાતે આયોજન કરાયું હતું. નાગરિકોને લૉન અંગેના કેમ્પમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લાના ધારાસભ્યો સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને નાગરિકોને લૉન પણ આપવામાં આવી હતી. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનના ગૃહમંત્રીશ્રી દ્વારા રાજ્યભરમાં વ્યાજખોરીના દુષણ ને ડામવા વ્યાપક અભિયાન ચાલી રહ્યું છે. જે સંદર્ભે દાહોદ પોલીસ દ્વારા જે અભિયાન જિલ્લામાં ચલાવાય રહ્યું છે અને જે પગલાં લેવામાં આવી રહયા છે તે પ્રસંશનીય છે. ગરીબ- નાના માણસને ધંધા રોજગાર માટે નાણાકીય મદદની જરૂર રહે છે. સરકાર દ્વારા આ માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય પણ અપાય છે. જેને લોકોએ જાણવી જોઈએ. જેથી વ્યાજની ચુંગાલમાં સામાન્ય માણસ ફસાય નહિ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ માટે મુદ્રા લૉનની સુંદર પહેલ કરાઈ છે. જેમાં સામાન્ય માણસ જે લૉન લે છે તેની સરકાર ગેરન્ટી આપે છે. સામાન્ય માણસ હેરાન ના થાય એ માટે લૉન માટેના સરકાર દ્વારા લાયનન્સ સહિતના નિયમો પણ લાગુ કરાયો છે. જેનાથી નાગરિકોએ અવગત થવું જોઈએ એમ જણાવી સાંસદશ્રીએ સરકારે ગરીબ નાગરિકો માટે વિવિધ યોજનાકીય સહાયને પારદર્શક અને સરળ બનાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વેળા ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા દ્વારા પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધતા જણાવ્યું કે, રાજ્યમાં વ્યાજખોરીના દૂષણ સામે વ્યાપક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જિલ્લામાં પણ જાન્યુઆરી મહિના દરમિયાન સઘન અભિયાન ચલાવાયું હતું અને ૫૨ જેટલા લોક દરબારનું જિલ્લામાં વિવિધ સ્થળે આયોજન કરાયું હતું. આજનો કાર્યક્રમ પણ આ અભિયાનનો જ એક ભાગ છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ૪૮ જેટલી અરજીઓ, ૧૨ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. વ્યાજખોરો સામે જિલ્લામાં કડક પગલા લેવામાં આવ્યા છે. લોકો લૉન અંગેની સમજ મેળવે અને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય નહિ એ માટે સરકાર દ્વારા નિયમો બનાવાયા છે એના જાણકાર બનવું જોઈએ અને માન્ય સંસ્થાઓ પાસેથી જ લૉન લેવી વધુ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આ વેળા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી,નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સહિત પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ, લીડ બેન્ક મેનેજર સહિતના બેન્ક અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!