મહેમદાવાદ પાલિકા દ્વારા જપ્ત કરેલા મોબાઇલ ટાવર વેચીને વેરોની વસુલાત કરશે
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
મહેમદાવાદ નગરપાલિકા દ્વારા વેરો ન ભરતા લોકો પાસે ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં વીજ કંપની દ્વારા બાકી વીજ બિલ પેટે પાલિકાના કનેક્શન કાપી નાંખ્યા હતા. ત્યારથી પાલિકા દ્વારા જે લોકોના વેરા બાકી હોય તેમના વિરૂધ્ધ લાલ આંખ કરી હતી. પાલિકા વિસ્તારમાં આવેલ બે મોબાઈલ ટાવરનો વેરો બાકી હોય, વારંવાર ખાનગી કંપનીને નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ કંપની દ્વારા વેરો નહી ભરતા આખરે પાલિકાએ મોબાઈલ ટાવર જપ્ત કર્યા છે. જેના વેચાણ અર્થે પાલિકાએ આગામી ૧ માર્ચના રોજ મોબાઈલ ટાવરની હરાજી રાખી છે. મહેમદાવાદ નગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છેકે નગરપાલિકાના વેરા સહિતના બાકી લેણાની વસુલાત માટે આ બંને ટાવર જપ્તી કરવામાં આવી છે. જેનું હવે જાહેર હરાજી થી વેચાણ કરવાનું છે. જેથી આ મોબાઈલ ટાવરનો સામાન ખરીદવામાં રસ ધરાવતી એજન્સીઓને તા. ૧ માર્ચના રોજ હરાજી સ્થળ પર હાજર રહેવા જાહેર હરાજીની નોટીસ આપવામાં આવી હતી.