ચકલાસીમા અકસ્માતમાં ઘવાયેલા રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદના ચકલાસી પંથકમાં મોટરસાયકલે રસ્તાની સાઈડ પર ચાલતા જતાં પરિવારના મોભીને ટક્કર મારતાં આ વ્યક્તિનું સારવારદરમિયાન મોત નિપજ્યું છે. જે તે સમયે અકસ્માત સર્જનારે તમામ સારવારનો ખર્ચ આપવાની વાત કરી પોલીસ કેસ ન કરવા જણાવ્યું હતુ અને બાદમાં ફસકી જતાં અંતે આ મામલે ચકલાસીમા ફરિયાદ દાખલથઇ છે.નડિયાદ તાલુકાના ચકલાસી માં પંડિત નગર વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય સંજયભાઈ ગોરધનભાઈ બારૈયા ગત ૧૮મી ફેબ્રુઆરીના રોજ સાંજે શિવરાત્રીના દિવસે પોતાના માતા પિતા અને ભાઈ સાથે પડોશમાં રહેતા રાયસીંગભાઈ ચાવડાના ઘરે મહાદેવજી મહારાજના પાઠમાં ગયા હતા. જમી પરવારી બારૈયા પરિવારના સભ્યો પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. સંજયભાઈ અને તેમના ભાઈ તથા માતા તમામ લોકો રોડ પર આગળ ચાલતાં જતાં હતાં તો પાછળ સંજયભાઈના પિતા ગોરધનભાઈ ધુળાભાઈ બારૈયા આવતાં હતાં. પંડીતનગર રોડ પર એકાએક આ ગોરધનભાઈની બુમ સંભળાતા આગળ ચાલી રહેલા તેમના દિકરા અને પત્ની દોડી આવ્યા હતા. જ્યાં જોયુ તો પુરપાટે આવેલા મોટર સાયકલ ના ચાલક જીગ્નેશભાઈ શનાભાઈ વાઘેલાએ આ ગોરધનભાઈને ટક્કર મારતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયે આ મોટરસાયકલ ચાલક જીગ્નેશભાઈ ગોરધનભાઈના પરિવારજનોને કહ્યું હતું કે, સારવારનો તમામ ખર્ચ હું આપી દઈશ પોલીસ કેસ કરસો નહી જેથી તે સમયે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું. અને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વધુ સારવારની જરૂર હોવાથી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વડોદરાની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ બાદ નાણાંના અભાવે તેઓ ત્યાંથી રજા લઈને પોતાના ઘરે આવી ગયા હતા. દરમિયાન ગતરોજ બપોરના સુમારે આ ઘવાયેલા ગોરધનભાઈ બારૈયાનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ ઉપરોક્ત બાઈક ચાલક ગામમાં રહેતા પાડોશીએ કોઈ ખર્ચ આપ્યો નહોતો.આ સમગ્ર મામલે આજે મરણજનાર ગોરધનભાઈના દિકરા સંજયભાઈએ અકસ્માત સર્જનાર મોટર સાયકલ ચાલક જીગ્નેશ વાઘેલા સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


