ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-સીઝન ૨.૦’ નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે શરૂ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ’ સીઝન ૨.૦ ની આજે તા. ૨૫ ફેબ્રુઆરી થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ દિવસે અંડર-૧૧ અને અંડર-૯ બહેનોની ૬૦ મીટર, ૬૦ મીટર હરડલ્સ, ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, ૨૦૦ મીટર, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, ટેનિસ બોલ થ્રો, મેડીસીન બોલ થ્રો, હાઈ જમ્પ અને જેવલીન થ્રો ની ૧૧ રમતોમાં કુલ ૨૨૮૦ રમતવીરોએ ભાગ લીધો હતો. અંડર ૧૧ એથ્લેટિક્સ મીટ, સિઝન ૨.૦ રમતની શરૂઆત કરાવતા ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે બાળકોની રમત નિહાળવી એ એક અલગ જ લહાવો છે. આ અંડર ૧૧ એથ્લેટિક્સ મીટમા મોટી સંખ્યામાં આવેલ બાળ રમતવીરો, તેમના માતા-પિતા, વાલીઓ, શિક્ષકો અને કોચને જોઈને આનંદ અનુભવતા ડૉ. હર્ષદ પટેલે કહ્યુ કે આગામી દિવસોમાં ઓલમ્પિક સ્તરે આ જ રમતવીરો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન, વર્લ્ડ ચેમ્પિયનશીપ ૨૦૧૨, બ્રોન્ઝ મેડલ વિજેતા શ્રી બાબુભાઈ પણોચાએ જણાવ્યુ હતુ કે કોઈ પણ રમતમાં સફળતા માટે આહાર, વ્યાયામ અને આરામનુ સંતુલન ખૂબ જ મહત્વનુ છે. તેમણે બાળ રમતવીરોના માતાપિતાને પોતાના બાળકોના અભ્યાસ, તાલીમ અને ભોજન માટે એક ખાસ અને નિશ્ચિત ટાઈમટેબલ બનાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાની આ અંડર ૧૧ એથ્લેટિક્સ મીટ, સિઝન ૨.૦’માં તા. ૨૫ ફેબ્રુઆરી થી ૨૭ ફેબ્રુઆરી, ત્રણ દિવસ દરમિયાન ૧૧ જેટલી રમતોની સ્પર્ધા યોજાશે. જેમાં તા. ૨૬ ફેબ્રુઆરીએ અંડર-૯ ભાઈઓ, અને ૨૭ ફેબ્રુઆરીએ અંડર-૧૧ ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એથ્લેટિક્સ મીટમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી ૧૦ હજારથી પણ વધારે બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અંડર ૧૧ એથ્લેટિક્સ મીટમાં ૪૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૬૦ મીટર દોડ, ૬૦ મીટર વિધ્ન દોડ સહિત ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ઊંચી કૂદ, લાંબી કૂદ, જેવેલિન થ્રો જેવી રમતોનો સમાવેશ થાય છે. આ ખેલયજ્ઞમાં કુલ ૧૧ રમતોમાં પ્રથમ ૧૦ ક્રમ પ્રાપ્ત કરનાર ૪૪૦ ભાઈ-બહેનોને કુલ ૧૧ લાખ રૂપિયાના ઈનામો આપવામાં આવશે. આ પ્રસંગે ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલસચિવ અમીત જાની, કોર્ડિનેટર ડો. મહેન્દ્ર પટેલ, શિલ્પાબેન વાળા તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલ બાળકો, તેમના વાલીઓ, કોચ, ટ્રેનર વગેરે ઉપસ્થિત હતા.




