કલેકટરના હસ્તે જીલ્લાના પોટેન્શિયલ લિન્કડ ક્રેડિટ પ્લાન ૨૦૨૩-૨૪નું વિમોચન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ
કલેકટરના હસ્તે જીલ્લાના પોટેન્શિયલ લિન્કડ ક્રેડિટ પ્લાન ૨૦૨૩-૨૪નું વિમોચન કરવામાં આવ્યું
નડિયાદ ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના વરદ હસ્તે ખેડા જીલ્લાના પોટેન્શિયલ લિન્કડ ક્રેડિટ પ્લાન ૨૦૨૩-૨૪ નું વિમોચન કરવામાં આવ્યું હતું.
તા. ૨૭મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ નડિયાદ ખાતે ખેડા કલેકટરના અધ્યક્ષ સ્થાને લીડ બેન્ક દ્વારા યોજાયેલ ડી.એલ.સી.સી. અને ડી.એલ.આર.સી. બેઠકોમાં પી.એલ.પી. પ્લાનની ચર્ચા કરી તેને ફાઇનલ કરવામાં આવેલ હતો. નાબાર્ડના જીલ્લા વિકાસ પ્રબંધક અમિત ભટ્ટે ખેડા જીલ્લાના પોટેન્શિયલ લિન્કડ ક્રેડિટ પ્લાન ૨૦૨૩-૨૪નું બૂકલેટ સ્વરૂપ પ્રસ્તુતિકરણ કરીને જણાવ્યું કે વિવિધ પ્રાથમિક્તા ધરાવતા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને લઈને ખેડા જીલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે નાબાર્ડના પી.એલ.પી. માં રૂ. ૪૫૨૪.૮૧ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આંકલન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ. ૧૮૦૯.૭૨ કરોડ (૪૦%), મધ્યમ અને લાંબી મુદતના ખેતી ધિરાણ (કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ આનુષંગિક પ્રવૃતિઓ સાથે) માટે રૂ. ૧૪૬૫.૬૧ (૩૨.૩૯%), એમ.એસ.એમ.ઇ. સેક્ટર (એક્સપોર્ટ ક્રેડિટ સાથે) માટે રૂ. ૮૭૫.૨૫ કરોડ (૧૯.૩૪%) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે શિક્ષણ, હાઉસિંગ, રીન્યૂએબલ એનર્જી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૩૭૪.૨૩ કરોડ (૮.૨૭%) નું આંકલન કરેલ છે. પી.એલ.પી.ના આંકલન પ્રમાણે લીડ બેન્ક દ્વારા જિલ્લાની બેન્કોનો વાર્ષિક ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. કલેકટર કે.એલ.બચાણીએ સૂચવ્યું કે જીલ્લામાં આવેલ તમામ બેન્કોએ લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવનાર ૨૦૨૩-૨૪ના વાર્ષિક ક્રેડિટ પ્લાન મુજબ આપવામાં આવનાર ટાર્ગેટ હાંસલ કરીને જિલ્લાના આર્થિક વિકાસમાં મહત્તમ ફાળો આપવો જરૂરી છે અને તે માટે બેન્કો અને રાજ્ય સરકાર સહિતના તમામ હિસ્સેદારોએ, હોદ્દેદારોએ, અધિકારીઓએ, એન.જી.ઓ. એ વાર્ષિક ક્રેડિટ પ્લાન સફળ કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર બી.એસ. પટેલ, નાબાર્ડના આણંદ જીલ્લાના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ મેનેજર અમિત ભટ્ટ, ખેડા જીલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ભરતકુમાર એચ. પરમાર, નડિયાદ ખાતેની રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર અજયકુમાર પાઠક અને ખેડા જીલ્લાની ફાઇનાન્સિયલ લિટેરસી એન્ડ ક્રેડિટ કાઉન્સેલિન્ગ સેન્ટર, નડિયાદના કાઉન્સેલર આર.એલ.નાગર હાજર રહ્યા હતા.


