આશા ફેસેલીટર શારદાબેન અમલિયાર નિક્ષય મિત્ર બન્યાં : દર્દીના પોષણકીટની જવાબદારી ઉપાડી
સિંધુ ઉદય
સરકાર જયારે કોઇ મિશન સાથે આગળ વધી રહી હોય તેની સફળતાનો ઘણો આધાર નાના કર્મચારી ઉપર હોય છે. નાના કર્મચારીનો ઉત્સાહ જે તે અભિયાનને સફળ બનાવે છે. પ્રધાનમંત્રીશ્રી આગામી ૨૦૨૫ સુધીમાં દેશને ટીબીમુક્ત બનાવવાના અભિયાન સાથે આગળ વધી રહ્યાં છે. ત્યારે દાહોદનાં એક નાના કર્મચારીએ નિક્ષય મિત્ર બનીને પોતાનો ઉત્સાહ દાખવ્યો છે.દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર લીમડી -૧ નાં આશા ફેસેલીટર શારદાબેન અમલિયાર દ્વારા નિક્ષય મિત્ર બની એક ટીબીના દર્દીને પોષણ કીટનું વિતરણ કર્યું છે. શારદાબેને નિક્ષય મિત્ર બનીને છ મહિના સુધી દર્દીને નિ: શુલ્ક પોષણ કીટ મળી રહે તેની જવાબદારી લીધી છે. પોષણ કીટની અંદર તુવેર દાળ, ચણા, મગ, ચોખા, ઘઉંનો લોટ, તેલ મસાલા, ખજૂર પ્રોટિંગ પાઉડર સહિતની સામગ્રી હોય છે. જેનાથી દર્દીને જરૂરી તત્વો સાથેનું પોષળ મળી રહે.ફક્ત સરકારી કર્મચારી જ નહીં કોઇ પણ સામાન્ય વ્યક્તિ આ રીતે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને સહાયરૂપ બની શકે છે. સેવાભાવી વ્યક્તિઓ નિક્ષય મિત્ર બનીને દરિદ્રનારાયણની મોટી સેવા કરી શકે છે. આ અંગેની એપ ઉપરથી સામાન્ય વ્યક્તિ નિક્ષય મિત્ર બની શકે છે. સરકારમાં એક સામાન્ય કર્મચારી હોવા છતાં શારદાબેન અમલીયારે નિક્ષય મિત્ર બનીને આગળ આવવું તે એક પ્રશંસનીય બાબત છે.