માધ્યમિક શાળા ગરબાડા ખાતે મહિલા જાગૃત્તિ શિબિર કાર્યક્રમ : ૧૬૭ જેટલી વિદ્યાર્થીનીઓએ લાભ લીધો
સિંધુ ઉદય
માધ્યમિક શાળા ગરબાડા ખાતે મહિલા જાગૃત્તિ શિબિર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ૧૬૭ જેટલી વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી પી.આર. પટેલે મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેંટર અને મહિલા અભયમ હેલ્પ લાઇન ૧૮૧ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ગરબાડાના ઇન્ચાર્જ સીડીપીઓ સુશ્રી રિદ્ધિબેન પટેલે આઇસીડીએસમાં વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી ભાવેશ પરમારે રોજગાર કચેરીની તમામ કામગીરી વિશે માહિતી આપી હતી. તેમજ ફિલ્ડ ઓફિસર શ્રી હિંમતભાઇ પરમારે વ્હાલી દિકરી, બેટી બચાવો, બેટી પઢાવો અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તેમજ વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
માધ્યમિક શાળાના આચાર્ય શ્રી નગીનભાઇએ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.