ધાનપુર તાલુકાના કાંટુ જંગલમાં દિપડાના હુમલામાં મૃત્યુ પામેલ મૃતક રંગીતાબેનના પરિવારને રૂ.૪ લાખની સહાય
દાહોદ તા.૩૧
ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી નજીક આવેલ કાંટુ જંગલમાં લાકડા લેવા ગયેલ એક ૧૨ વર્ષીય બાળા ઉપર દિંપડાએ જીવલેણ હુમલો કરતાં આ હુમલામાં મોતને ભેટેલ બાળાના પરિવારજનોને સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય ચુકવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
તારીખ ૨૯.૦૧.૨૦૨૦ વા રોજ સવારના ૦૬.૦૦ કલાકે ગરબાડા તાલુકાના ખજુરીયા ગામે રહેતી ૧૨ વર્ષીય રંગીતાબેન ખુમસીંગભાઈ પલાસ તેમના પરિવારજનો સાથે ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી ગામે આવી હતી જ્યા રંગીતાબેન સગાસંબંધીઓ સાથે નજીકમાં આવેલ વાંસીયા ડુંગરી રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ કાંટુ જંગલમાં લાકડા લેવા આવી હતી તે સમયે ઓચિંતો એક દિપડાએ રંગીતાબેન ઉપર જીવલેણ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લીધું હતુ અને ગંભીર ઈજાગ્રસ્ત રંગીતાબેનને નજીકના સરકારી દવાખાને લઈ જતાં તબીબોએ રંગીતાબેનને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. આ બાદ મૃતકના પરિવારજને સહાય ચુકવાય તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી હતી જે સંદર્ભે વન્ય પ્રાણી દ્વારા થયેલ માનવ મૃત્યુ અંગે સહાયને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ.૪ લાખનો ચેક આપી સહાય ચુકવી હતી.