ઝાલોદ નગરના એ.પી.એમ.સી ખાતે દાહોદ જિલ્લા પંચાયત અને મુક્તિરંજન સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઉપક્રમે આયુષ મેળાનું આયોજન કરાયું
પંકજ પંડિત ઝાલોદ
આયુષ મેળાનું આયોજન ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું
મુખ્ય અતિથિમાં જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રમસુભાઈ ડામોર હાજર રહ્યા હતા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત,દાહોદ તથા મુક્તિરંજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ લીમડીના સંયુક્ત ઉપક્રમે તા.૦૪-૦૩-૨૦૨૩ ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની એ.પી.એમ.સી.માર્કેટ ખાતે તાલુકા કક્ષાના “આયુષ મેળા”નું સફળતાપુર્વક આયોજન કરવામાં આવેલ. આ આયુષ મેળો ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રોગ્રામના મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ભાભોર પણ વિશેષ હાજર રહ્યા હતા. તેમજ અન્ય આમંત્રિત મહેમાનોમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછાર ,જિલ્લા સભ્ય લલિતભાઈ ભુરીયા, ક્રિષ્નારાજ ભુરીયા તથા ઝાલોદ તાલુકાના સરપંચો તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીએ આયુષ મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરેલ.જીલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ચંદનભાઈ બામણ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતુ. મહેમાનોને પુષ્પગુચ્છ અને આયુષ કીટ અર્પણ કરી આવકારવામાં આવેલ હતા. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન તથા ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ જેમાં તેમના દ્વારા આયુષ વિભાગ અંતર્ગત કરવામાં આવતી કામગીરી અને ” હર દિન હર ઘર આયુર્વેદ ” વિશે માહિતી આપવામાં આવેલ. આયુષમેળામાં વિવિધ પ્રવૃત્તિ જેમાં આયુર્વેદ પોષણ યુક્ત આહાર ,વિવિધ આયુર્વેદ – હોમિયોપથી પ્રદર્શની, યોગ પ્રત્યક્ષ નિદર્શન, આયુષ નિદાન અને સારવાર કેમ્પ જેમાં દંતોત્પાટન,અગ્નિકર્મ, પંચકર્મ નાડી સ્વેદ વગેરે સારવાર પદ્ધતિઓ એ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું.આયુષ મેળાનો બહોળા પ્રમાણમાં જાહેર જનતા દ્વારા લાભ લેવામાં આવેલ.આજના આયુષ મેળામાં આયુર્વેદ,પંચકર્મ, હોમિયો ચાર્ટ પ્રદર્શન લાભાર્થી – ૧૮૩૫ ,યોગ પ્રત્યક્ષ નિદર્શન- ૪૫૫ ,આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ દર્દી-૩૮૬ ,હોમિયોપથી ઓપીડી-૨૦૩ ,અગ્નિકર્મ દર્દી-૨૫ ,પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી – ૩૫ ,જરા ચિકિત્સા લાભાર્થી -૬૫ ,પંચકર્મ નાડી સ્વેદ -૭૫ ,વાનગી પ્રદર્શન લાભાર્થી – ૩૫૦ મળી કુલ લાભાર્થી-૩૪૨૯ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.