દાહોદ જિલ્લામાં ત્રણ દિવસ પોષણ પર્વ તરીકે ઉજવણી થઇ છે
રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું છે કે, ગુજરાતેને કુપોષણની રેખામાંથી બહાર કાઢવા માટે રાજ્ય સરકાર તમામ ધાત્રી, સગર્ભા માતાઓ અને કિશોરીની ચિંતા કરી રહી છે. આ માટે જ સતત બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેમાં સર્વ સમાજને પણ જોડવામાં આવ્યો છે. આ ત્રણ દિવસને દાહોદ જિલ્લામાં પોષણ પર્વ તરીકે ઉજવવામાં આવ્યા છે.
રાજ્ય મંત્રીશ્રીએ પ્રેરણાત્મક ટકોર કરતા કહ્યું કે, બાળક જ્યારે આંગણવાડીમાં આવે ત્યારે જ ખબર પડી જતી હોય છે કે, તે કુપોષિત છે કે નહી ? જો આવા બાળકોની સહેજ પણ દરકાર રાખવામાં આવે છે માત્ર ત્રણ માસમાં જ તંદુરસ્ત બની જાય છે. આવું બાળક આંગણવાડીમાં નિયમિત આવે, દૂધ પીવે, નાસ્તો કરે અને બપોરનું ભોજન કરે તેની તકેદારી આંગણવાડીના કર્મયોગીઓ રાખે તો તે બાળક સહજ જ તંદુરસ્ત બની જતું હોય છે.
શ્રી ખાબડે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પોષણ અભિયાન ચલાવીને દેશને નવો રાહ ચિંધ્યો છે. આપણા રાજ્યના તમામ નાગરિકો સદાસર્વદા સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એની ખેવના રાજ્ય સરકાર કરી છે. તેમાં કુપોષિત બાળકો પણ બાકાત નથી. એટલે જ આ ત્રણ સમગ્ર રાજ્યમાં વ્યાપક સ્તરે પોષણ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને તેમાં લોકભાગીદારીને સાંકળવામાં આવી છે.
ઉક્ત સંદર્ભમાં રાજ્ય મંત્રી શ્રી ખાબડે ઉમેર્યું કે, બાળકોને તંદુરસ્ત બનાવવીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની દિશામાં લોકોને પણ જોડવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં ૬૦૧૪ અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે તેની જવાબદારી પાલકવાલીઓએ સ્વયંભૂ સ્વીકારી છે. પાલકવાલી એક સપ્તાહમાં બે વખત આંગણવાડીની મુલાકાત લે અને કુપોષિત બાળકની તકેદારી રાખે તે આપણે ચોક્કસ સફળ થઇશું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર્તા બહેનોને શીખ આપતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તમારે પારકાના દીકરાને પોતીકા બનાવવાના છે. માતા યશોદાની ભૂમિકા અદા કરવાની છે. કુપોષિત બાળકોની વિશેષ સંભાળ લેવાની છે. જો એક વર્ષમાં આંગણવાડીના તમામ બાળકો તંદુરસ્ત બની જાય તો રાજ્ય સરકાર વિશેષ પુરસ્કાર આપવાની છે. તેમણે સંવેદનશીલ બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કહ્યું કે, કુપોષિત બાળકોને દિલ રાખીને મુખ્યમંત્રીશ્રીએ પોષણ અભિયાન ઝૂંબેશ સ્વરૂપે ચલાવ્યું છે. કુપોષણની બાબત આપણા સૌના માટે કલંકરૂપ છે. આપણે હવે માનવ વિકાસની દિશામાં સહિયારા પ્રયત્નોથી કામ કરવું પડશે.
તેમણે જણાવ્યું કે, કુપોષિત બાળકોની થોડી સંભાળ રાખવાની જરૂરત છે. આમ કરવાથી બાળક ઝડપભેર તંદુરસ્ત બની જશે. જો પહેલેથી જ સગર્ભા માતાઓના આરોગ્યની ખેવના કરવામાં આવે તો આવનારૂ બાળક તંદુરસ્ત જન્મે છે. બાળક જન્મે એ બાદ રસીકરણ, સ્તનપાન, સમતોલ અને પોષક આહાર આપવાની જરૂરત હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ બધી બાબતોની દરકાર રાખે છે અને તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
આ અવસરે મહાનુભાવો દ્વારા વાનગી હરિફાઇ, તંદુરસ્ત બાળક સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકોને અન્નપ્રાશન વિધિ કર્યા બાદ પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોષણ અદાલત નામની એક નાટિકાનું સુંદર મંચન કરવામાં આવ્યું હતું. બે દસ્તાવેજી ફિલ્મોનું નિદર્શન તથા પોષણ આરતી પણ કરવામાં આવી હતી.
રાજ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ વાનગી નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ વેળાએ ધારાસભ્ય શ્રી વજુભાઇ પણદા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઇ દેસાઇ, અગ્રણીઓ શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, શ્રી વિનોદભાઇ, શ્રી દીપેશભાઇ લાલપુરિયા, સુશ્રી સંયુક્તાબેન મોદી, સુશ્રી રીનાબેન પંચાલ, સુશ્રી સંતોષબેન પટેલ, સુશ્રી વિણાબેન પલાસ, રેખાબેન, વિદ્યાબેન, કાર્યક્રમ અધિકારી શ્રી દિલીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.