દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં ૧.૫૯ લાખ અરજીઓનો સકારાત્મક નિકાલ
નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ તેના ઘર આંગણે જ મળી રહે એ માટે શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો દાહોદ જિલ્લામાં પૂર્ણ થઇ ગયો છે. ગામોના સેજા દીઠ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧,૫૯,૯૪૧ની અરજીઓનો નિકાલ સ્થળ ઉપર જ કરી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં મળેલી અરજીઓના હકારાત્મક નિકાલનું પ્રમાણ ૯૯.૯૫ ટકા રહ્યું છે. રાજ્ય સરકારની નીતિ વિષયક બાબતોને લગતી માત્ર ૪ અરજીઓ જ પડતર રહી છે.
સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકાદીઠ અરજીઓના હકારાત્મક નિકાલના આંકડા જોઇએ તો દાહોદ તાલુકામાં ૪૫૬૨૭, ફતેપુરા તાલુકામાં ૨૭૧૫૨, ઝાલોદ તાલુકામાં ૨૦૮૪૯, દેવગઢ બારિયા તાલુકામાં ૧૪૮૬૬, ગરબાડા તાલુકામાં ૧૩૩૯૧, લીમખેડા તાલુકામાં ૧૧૬૭૮, ધાનપુર તાલુકામાં ૧૧૨૮૧, સંજેલી તાલુકામાં ૮૧૧૨ અને સંજેલી તાલુકામાં ૬૯૧૩ અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં માત્ર ૬૮ અરજીઓનો જ નકારાત્મક નિકાલ કરાયો છે. તેની પાછળના કારણોમાં યોગ્ય દસ્તાવેજો ન હોવા મુખ્ય છે.
નગરપાલિકા વિસ્તારમાં લોકોની અરજીઓની સ્થિતિ તપાસીએ તો ઝાલોદ નગરપાલિકામાં ૩૧૩૧, દેવગઢ બારિયા નગરપાલિકામાં ૭૮૨ અને દાહોદ નગરપાલિકામાં ૧૩૨૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોના સેવા સેતુના કુલ ૨૫ કાર્યક્રમો યોજાયા હતા. નગરપાલિકાઓના સેવાસેતુ કાર્યક્રમમાં મળેલી તમામ અરજીઓ એટલે કે સો ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
સેવા સેતુના આ પાંચમાં તબક્કામાં સૌથી વધુ અરજીઓ મહેસુલ વિભાગને લગતી હતી. જેમાં મુખ્યત્વે સાતબાર અને આઠ અના ઉતારા મળવા બાબતની રહી હતી. સેવા સેતુ દરમિયાન કુલ ૫૯૧૮૩ લોકોને આ નમૂનાઓ આપવામાં આવ્યા હતા. તે બાદ ૧૧૭૦૩ લોકોને મિલ્કત આકારણીના ઉતારા આપવામાં આવ્યા હતા. ૮૯૮૬ લોકોને આવકના દાખલા આપવામાં આવ્યા.
જિલ્લાની ૨૪૬૭ વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપ બહેનોને સહાય યોજનાનો લાભ મળ્યો છે. એ જ રીતે ૫૩૮ અરજદારોને વૃદ્ધ નિરાધાર યોજના અને ૩૮૦ વૃદ્ધોને પેન્શન સહાયનો લાભ સેવા સેતુના માધ્યમથી મળ્યો છે.
સેવા સેતુ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાના અંતેલાથી કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ નાના માણસોનો મોટો કાર્યક્રમ છે. તે વાત અહીં ચરિતાર્થ થાય છે. જેમકે, દાહોદ જિલ્લામાં ૪૨૭૦ લોકોના આધાર કાર્ડ માટે નોંધણી થઇ, ૧૦૭૧૮ લોકોની રાશન કાર્ડમાં દાખલ કરવાની અરજીઓનો નિકાલ થયો. ૮૫૮ દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા. ૫૩૨૯ લોકોની બી. પી. અને મધુપ્રમેહની ચકાસણી થઇ.
આટલું જ નહીં, પશુ સારવારના કેમ્પ પણ સેવા સેતુ કાર્યક્રમ સાથે યોજાયા હતા. જેમાં ૫૦૪૩ પશુઓને મેડિસીન સારવાર આપવામાં આવી. ૨૪૫૫ પશુઓને ગાયનેકોલોજીકલ અને ૫૭૬ પશુઓને સર્જીકલ સારવાર અપાઇ. ૧૦૧૯૯ પશુઓને ડિવર્મિંગ અને ૧૦૮૭૩ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું.
આમ સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કા દરમિયાન લોકોના સરકારી કચેરીઓમાં કરવાના થતાં કામોનો ઘર આંગણે જ નિકાલ આવ્યો છે.
#Dahod