ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામે રાત્રીસભા યોજાઇ

દાહોદ તા.૧૭
‘ગામની સારામાં સારી ઇમારત તેની શાળા હોવી જોઇએ’ એમ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામે યોજાયેલી રાત્રીસભામાં જણાવ્યું હતું. વાંકાનેર ખાતે યોજાયેલી રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ઉપસ્થિત અધિકારીઓને તાત્કાલીક પ્રશ્નોનો નિકાલ કરી રિપોર્ટ કરવા સૂચના આપી હતી. રાત્રીસભામાં ૧૫ લાભાર્થીઓને વિધવા સહાય યોજના, ઇન્દ્રિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત મંજુરીપત્રો પણ આપવામાં આવ્યા હતા.
રાત્રી સભામાં ગ્રામજનોએ શાળાના ઓરડા, ગામમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી રચવા, સ્મશાન અને તેને જોડતા રસ્તા, ગામને જોડતા એસટી બસના નવો રૂટ શરૂ કરવા, નવું આરોગ્ય સબસેન્ટર શરૂ કરવા માટે રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ આ બાબતે જિલ્લાના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી સત્વરે નિકાલ લાવવા જણાવ્યું હતું.
રાત્રીસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે,સગર્ભાવસ્થાથી લઇને બાળકના જન્મના શરૂના ત્રણ વર્ષ તેના શારીરિક માનસિક વિકાસ માટે ખૂબ મહત્વના છે. આ સમય દરમિયાન બાળકની ખાસ દરકાર લઇને તેને પોષણયુક્ત આહાર આપવો જોઇએ અને બાળકને આંગણવાડીમાં નિયમિત મોકલવા પણ ખૂબ જરૂરી છે.
રાત્રીસભામાં તેમણે સામાજિક કુરિવાજો પર બોલતા જણાવ્યું કે, લગ્નપ્રસંગોમાં મોંઘા ડીજે જેવા ખોટા ખર્ચ કરવાની જગ્યાએ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઇએ. આપણને નાહકના ખોટા ખર્ચ કરાવતા રિવાજો ને ત્યજવા જોઇએ. બિમાર પડીએ ત્યારે અન્ય વિકલ્પો સાથે દવાખાનામાં જવાને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઇએ.
તેમણે રક્તદાનની અગત્યતા સમજાવતા જણાવ્યું કે, ‘જિલ્લામાં મહિલાઓ અને બાળકોમાં લોહીની ઉણપની ખામી જોવા મળે છે ત્યારે મોટી બિમારી કે અકસ્માતના સંજોગોમાં દવાખાનાઓમાં તાત્કાલિક લોહીની જરૂરીયાત રહેતી હોય છે. આથી નિયમિત રક્તદાન ખૂબ જરૂરી છે. મેં પોતે ૧૫ થી વધુ વખત રક્તદાન કર્યું છે.’
રાત્રીસભામાં અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયારે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી તેના લાભ લેવા જણાવ્યું હતું.
રાત્રીસભામાં પ્રાન્ત અધિકારીશ્રી ફતેપુરા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સરપંચશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: