બહેનનું ઉપરાણું લઈને આવેલા ભાઈને બનેવીએ આક્રોશમાં આવી સાળાનુ ગળુ દબાવી હત્યા કરી દીધી
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ

મહેમદાવાદ પંથકમાં સાળા-બનેવી વચ્ચે કપડા ધોવા જેવી નજીવી બાબતે પોતાની બહેનનું ઉપરાણું લઈને આવેલા ભાઈએ પોતાના બનેવીને ઠપકો આપતાં આક્રોશમાં આવેલા બનેવીએ સાળાને મારમારી ગળુ દબાવી હત્યા કરી દીધી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે. મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામના મસાણા છાપરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષિય વિજયભાઈ ગાભાભાઈ દંતાણીની તેમના બનેવી મહેશભાઈ કાબાભાઈ દંતાણીએ હત્યા કરી દીધી છે. આ વિજયભાઈ અને તેમની નાની બેન સુનીતાબેન અને તેમના પતિ મહેશભાઈ એમ ત્રણેય સાથે ઉપરોક્ત મસણા વિસ્તારમાં એકજ ઘરમાં રહે છે. ગતરોજ આ મહેશભાઈ પોતાની પત્ની સુનીતાબેનને ઉશ્કેરાઈને ગાળો બોલી કહેતા કે, તે તારા ભાઈના કપડા કેમ ધોયેલ છે? તેમ કહી સુનીતાબેન સાથે ઝઘડો કર્યો હતો. વિજયભાઈએ તેના બનેવી મહેશભાઈ દંતાણીને ઠપકો આપતાં આ મહેશભાઈ આક્રોશમાં આવેલા અને પોતાના સાળા મહેશભાઈને ગાળો બોલી મારવા ફરી વળ્યા હતા. આ મહેશભાઈએ વિજયને મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે મુક્કા મારિયા હતા. ત્યારબાદ આવેશમાં આવેલા મહેશભાઈએ પોતાના સાળા વિજયભાઈનુ ગળુ દબાવી દીધું હતું. જોકે ઘરના અન્ય સભ્યો તેમજ આસપાસના લોકો છોડાવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ આ પહેલા જ વિજયભાઈનુ મોત નિપજ્યું હતું. વિજયભાઈ જમીન પર પડી ગયા હતા. બાદ આ મહેશભાઈ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે સુનીતાબેનના પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ ઓધાભાઈ દંતાણીએ મહેમદાવાદ પોલીસમાં મહેશભાઈ કાબાભાઈ દંતાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

