મહત્વાંકાક્ષી જિલ્લા અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે આજે મહત્વાંકાક્ષી જિલ્લા અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સચિવશ્રીને મહત્વાંકાક્ષી જિલ્લાના વિવિધ સૂચકાંકો અંતર્ગત થયેલી કામગીરી વિશે જણાવ્યું હતું. શ્રી બેનીવાલે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ મહત્વાંકાક્ષી જિલ્લાના આરોગ્ય, શિક્ષણ, ખેતી અને સિંચાઇ, માળખાકીય સુવિધાઓ, નાણાકીય સમાવેશન અને કૌશલ્ય વિકાસના વિવિધ સૂચકાંકોમાં થયેલી પ્રગતિની માહિતી આપી હતી. જિલ્લામાં કુપોષિત બાળકોનો જન્મદર ઘટાડવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યના માનાંકો સિદ્ધ કરવા કરાયેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જેમાં દર સોમવારે પીએચસી અને એસસી લેવલે એએનસી કલીનીક, રેડ ક્રોસ સોસાયટી સાથે રહીને સગર્ભા મહિલાઓમાં સીકલસેલ એનીમીયાની ઓળખ કરવી, છેવાડાના વિસ્તારોને પણ આરોગ્ય સુવિધા પહોંચતી કરવા મોબાઇલ મમતા કલીનીક, એમીનીયા મુક્ત ભારત અંતર્ગતની કામગીરી, પોષણ સુધા યોજના સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં ગુણોત્સવ અંતર્ગત શિક્ષણ સ્તરમાં આવેલો સુધારો, શાળાની માળકાકીય સુવિધાઓ, આધાર અનેબલ અટેડન્સ સીસ્ટમ, એકલવ્ય મોડલ શાળાઓ તેમજ નબળા વિદ્યાર્થી માટે પ્રિય બાળક અંતર્ગત થઇ રહેલી કામગીરીની માહિતી અપાઇ હતી. તદ્દઉપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એટીવીટી યોજના અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.