ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે રસ્તા પર બે ફાઈનાન્સ કર્મચારીઓને નિશાન બનાવી રોકડા રૂ.૫૭ હજારની લુંટ

#ગગન સોની,લીમડી

દાહોદ તા.૨૩
ઝાલોદ તાલુકાના ગરાડું ગામેથી એક મોટરસાઈકલ પર સવાર બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ કંપનીના રિકવર કરેલ રૂ.૫૭,૭૧૩ રોકડા બેગમાં ભરી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક નંબર વગરની મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ ત્રણ જેટલા અજાણ્યા ચોર લુંટારૂઓએ આ ફાઈનાન્સ કંપનીના કર્મીઓની આંખોમાં મરચાની ભુકી નાખી ખભે લટકાવેટ રોકડા રૂપીયા ભરેલ બેગની લુંટ કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
હાલ કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં લુંટની ઘટનામાં વધારો નોંધાવા પામ્યો છે અને તેમાંય ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લુંટારૂઓ દ્વારા વધુ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ દાહોદ તાલુકાના હિમાલા ગામે લુંટારૂઓએ ફાઈનાન્સ કંપનીના કર્મચારીને નિશાન બનાવી રોકડા રૂપીયા ભરેલ બેગ લુંટ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યા વધુ એક બનાવ સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં રહેતા અને મુથુટ માઈક્રોફીન લીમીટેડ ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતાં અશ્વિનકુમાર દિલીપભાઈ બારૈયા અને તેમની સાથેનો બીજા એક સહકર્મી એમ બંન્ને જણા ગત તા.૨૨મી ફેબ્રુઆરીના રોજ કંપનીના રિકવર કરેલ નાણાં રૂ.૫૭,૭૧૩ રોકડા રૂપીયા લઈ બેગમાં ભરી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામેથી કાકરાધરા નવી વસાહતના રસ્તા ખાતેથી એક મોટરસાઈકલ પર બેસી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક નંબર વગરની મોટરસાઈકલ પર આવેલ ત્રણ જેટલા અજાણ્યા ચોર લુંટારૂઓએ આ ફાઈનાન્સ કંપનીના કર્મચારીની મોટરસાઈકલને ઓવરટેક મારી બંન્ને કર્મચારીઓના આંખોમાં મરચાની ભુકી નાસી રોકડા રૂપીયા ભરેલ બેગની લુંટ કરી લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ અશ્વિનકુમાર દિલીપભાઈ બારૈયા દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં હાઈવે પર એકલ દોકલ વાહન ચાલકો અને તેમાંય ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને નિશાન બનાવી રોકડા રૂપીયાની લુંટ કરી ફરાર થઈ જતી ટોળકી સક્રિય બની છે. આવા સમયે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલીંગ હાથ ધરી તેમજ આવા તત્વો સામે તપાસનો દૌર આરંભ કરી આવા લુંટારૂઓને ઝબ્બે કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે.
#Dahod #sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!