કપડવંજ તાલુકામાં અમૃત સરોવર થકી જન ભાગીદારીથી જળ ભાગીદારીની અમૃત ગાથા
નરેશ ગનવાણી બુરીચીફ નડિયાદ
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે; વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ છે કે દરેક રાજ્યના તમામ જિલ્લામાં ૭૫ સરોવરોનું નિર્માણ કરવામાં આવે. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ ગુજરાત સરકાર અનેકવિધ યોજનાઓથી સતત વિકાસની દિશામાં અન્ય રાજ્યો માટે ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ સાબિત થાય છે. સાથ, સેવા અને સહકારના મંત્ર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારના ૧૦૦ દિવસની કામગીરી સફળતાપુર્વક પુર્ણ કરી ચુકી છે. ત્યારે ચાલો જાણીએ ગુજરાત સરકારની જળ સંરક્ષણ માટેની એક ખાસ યોજના અને તેના લાભાર્થી વિશે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ કરવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. ગુજરાતમાં પણ ભાવિ પેઢીને જળનો સમૃદ્ધ વારસો આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અમૃત સરોવર નિર્માણ કરવામાં આવી રહ્યા છે. અમૃત સરોવર મિશન હેઠળ ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેના પરિણામે ગુજરાતના ગામોમાં પાણીના જળસ્તર ઊંચા આવ્યા છે અને પીવાના પાણી – સિંચાઈની સુવિધામાં વધારો થયો છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં જનભાગીદારીથી વારાંશી નદી પર ચેક ડેમ નિર્માણ પામ્યો છે. આ ચેક ડેમ મોટીઝેર તથા તેની આસપાસના ૦૯ ગામોમાં પાણી માટે વરદાનરૂપ સાબિત થયો છે. ૪૮ મીટર લંબાઈ (બોડી લેન્થ) અને ૫.૦૯ MCFT સ્ટોરેજ કેપેસીટી ધરાવતા આ ચેકડેમની મદદથી મોટીઝેર, દાદાજીના મુવાડા, અલુજીના મુવાડા, ધુરિયા વાસણા, કબુલપૂરા, નાનીઝેર, નાથાના મુવાડા, વાઘાના મુવાડા, શિંદપુર તેમજ અબોચ એમ કુલ ૦૯ ગામના લોકોને પીવાના પાણીથી લઈને સિંચાઈ માટેનું પાણી પહોંચાડવામાં આવે છે. આ ચેકડેમના બાંધકામની શરૂઆત ૧૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ કરવામાં આવી અને ૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ચેકડેમ દ્વારા મોટીઝેર પંચાયતમાં આવેલ ૩ ગામની ૧૫ હજાર વસ્તીને, નાનીઝેર પંચાયતમાં આવેલ ૨ ગામની ૨ હજાર વસ્તીને, ગોચરના મુવાડા પંચાયતમાં આવેલ ૩ ગામની ૨ હજાર વસ્તીને અને અબોચ ગામની ૨ હજાર વસ્તીને પાણીની સુવિધા મળી રહી છે. વારંશી નદી પર બાંધવામાં આવેલ આ ચેકડેમ દ્વારા મોટીઝેર ગામની આસપાસ વસતા કુલ ૨૧ હજાર લોકો પાણીની સુવીધાનો લાભ મેળવી રહ્યા છે. ગામમાં પાણીની સમસ્યા અંગે વાત કરતા મોટીઝેરના સરપંચ દિનેશભાઈ ઝાલા જણાવે છે કે પહેલા આ ગામમાં પાણીને લગતી ઘણી સમસ્યાઓ હતી. ખેતી માટે સિંચાઈનું પાણી પૂરતું મળતું ન હતું. રોજબરોજના જીવન માટે જરૂરી પાણી માટે પણ ગામની મહિલાઓને અગવડ રહેતી. પરંતુ હવે આ ચેક ડેમ બનતા પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે સુદ્રઢ વ્યવસ્થા ઉભી થઈ છે. મોટીઝેર ગામના રહીશ નીલેશભાઈ પરમાર જણાવે છે કે તેઓ વરસાદ આધારિત ખેતી કરતા હતા. અત્યાર સુધી તેઓ માટે જળનો એક માત્ર સ્ત્રોત વરસાદ જ હતો, પરંતુ સરકારની અમૃત સરોવર યોજના થકી ગામમાં બનાવવામાં આવેલ ચેક ડેમથી એનક ખેડૂતોને પાણી સમસ્યાનું નિરાકરણ થયું છે. હવે ૨૪ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ થતા તેઓએ ખેતી માટે ફક્ત વરસાદ પર આધાર રાખવો નથી પડતો. તેઓ પાઈપલાઈન દ્વારા ચેક ડેમમાંથી પોતાના ખેતરમાં સિંચાઈ માટે પાણીનો નિયમિત ઉપયોગ કરે છે. દાદાના મુવાડા ગામના ખેડુત અર્જનભાઈ જણાવે છે કે પહેલા તેમના ગામના લોકોને પીવાના પાણીની ખુબ જ મુશ્કેલી હતી. આજે સમયસર પાણી મળી રહેવાથી આજે ખેતી કરવામાં ખુબ જ મદદ મળે છે અને પીવાના પાણીની સમસ્યા પણ દુર થઈ છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ચેકડેમને ફરતે લીમડો, પીપળો, વડ જેવા ઘટાદાર વૃક્ષો વાવીને અમૃત વન વિકસાવવામાં આવ્યું છે. જે ગામની શોભામાં અભિવૃત્તિ કરે છે. અમૃત સરોવર હેઠળ નિર્માણ પામતા તળાવો, વોટરશેડ, ચેક ડેમનો હેતુ જે તે વિસ્તારમાં સિંચાઈની સુવિધા માટે ભૂગર્ભ જળચરને રિચાર્જ કરી પાણીના સ્ત્રોતની વૈકલ્પિક વ્યવસ્થાનો છે. ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતગર્ત જળાશયના કામો, ચેકડેમના કામો, સરોવરના કામો, તેમજ પાણીના સંગ્રહ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લ્ખનીય છે કે ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ કુલ ૪૮ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં મનરેગા હેઠળ કુલ ૨૦ માંથી ૧૯ તળાવો, પંચાયતના કુલ ૪૩ કામો માંથી ૧૫ કામ પૂર્ણ થયા છે અને ૨૮ પ્રગતિમાં છે. સિંચાઈ વિભાગના તમામ ૧૧ કામો પૂર્ણ થયા છે, વોટરશેડના તમામ ૨ કામો અને નગરપાલિકાનું ૧ કામ પૂર્ણ થયું છે.