યાત્રાધામ સફાઈ અભિયાન અંતગર્ત ડાકોર ખાતે કાર્યક્રમ યોજાશે.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
આવો,ડાકોર તીર્થધામને સ્વચ્છ બનાવવાના યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ એપ્રિલ શનિવારથી રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન યોજાશે. ત્યારે ખેડા જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વિધાનસભાના મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાશે. જેને લઈને આજરોજ સફાઈ અભિયાનના આયોજન અંગેની બેઠક નડિયાદ સર્કીટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ સફાઈ અભિયાનને લઈને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે ડાકોર તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. આ સફાઈ અભિયાન સવારે ૮ વાગ્યે શરૂ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે. જેમાં ગોમતીઘાટ, રણછોડરાયજી મંદિરથી નગરપાલિકા સંચાલિત પાર્કિંગ સુધી, લક્ષ્મીજી મંદિર થી ગણેશ ટોકીઝ સુધી, રણછોડરાયજી મંદિરથી કંકુ દરવાજા, વડાબજાર, ભરત ભુવન, વેલકમ ગેટ, જલારામ મંદિર સુધી, રણછોડરાયજી મંદિરથી બોડાણા સ્ટેચ્યુ, ગાંધીજી સ્ટેચ્યુથી બસ સ્ટેશન સુધી, બોડાણા સ્ટેચ્યુ થી કપડવંજ રોડ સુધી, વ્હેરાઈ માતાજીના મંદિરથી સત્યમાં સોસાયટી અને ગણેશ ટોકીઝથી ગોકુલ ગેસ્ટ હાઉસ સુધી, ગાંધીજી સ્ટેચ્યુથી જીલ્કા સોમીલ સુધી, મંગલ સેવાધામ થી કુમાર શાલ પાણીની ટાંકી સુધી તમામ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાશે. સમગ્ર સફાઈ અભિયાન કાર્યક્રમના નોડલ તરીકે પ્રાંત અધિકારીશ્રી ઠાસરાની નિમણુંક કરવામાં આવી છે. આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પટેલ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા તેમજ જીલ્લા કલેકટર કે. એલ બચાણી, તાલુકા વિકાસ અધિકારી શિવાની ગોયલ, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.