ફતેપુરા તાલુકાના સાગડાપાડામાં જંગલી પશુ દ્વારા ત્રણ બકરાનું મારણ કરતાં સ્થાનિકોમાં ભય
સાગર પ્રજાપતિ / યાસીન મોઢીયા, સુખસર
સુખસર,તા.૨૮
દાહોદ જિલ્લામાં જંગલ વિસ્તારનો નાશ થતાં જંગલી પશુઓ માનવ વસ્તીમાં ઘૂસી આવવાના બનાવો દિન-પ્રતિદિન વધતા જાય છે.તેવીજ રીતે ગતરોજ સવારના ત્રણેક વાગ્યાના અરસામાં સાગડાપાડા ગામે એક ખેડૂતના મકાનમાં દિપડા જેવુ જંગલી પશુ ઘૂસી આવી ત્રણ બકરાનું મારણ કરતાં અને એક બકરાને ઘાયલ કરી ભાગી જતાં ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ઉભાપાણ ફળિયામાં રહેતા રમણભાઈ ફુલજીભાઈ ચરપોટ ખેતીવાડી તથા પશુપાલનનો ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓ ગુરુવાર રાત્રિના જમી પરવારી ઊંઘી ગયા હતા.ત્યારબાદ શુક્રવાર સવારના ત્રણેક વાગ્યાના અરસામાં બાંધેલ પશુઓ તરફથી અવાજ આવતા તેઓ જાગી ગયા હતા.તેવા સમયે બકરા બાંધેલ જગ્યા તરફ નજર નાખતા દિપડા જેવું હિંસક પ્રાણી નજરે પડયું હતું.જેથી બૂમાબૂમ કરતા જંગલી પ્રાણી ભાગી છૂટ્યુ હતુ. જ્યારે પશુઓને જોતા ત્રણ બકરા મરણ ગયેલ નજરે પડયા હતા.જ્યારે એક બકરો ઘાયલ અવસ્થામાં જોવા મળ્યો હતો.
સાગડાપાડા ગામમાં જંગલી હિંસક પ્રાણીએ ત્રણ બકરાનું મારણ કરતાં ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે. ગ્રામજનોમાં તથા આસપાસના ગામડાઓમાં આ વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોમાં ભય ઉભો થવા પામેલ છે.જોકે આ જંગલી પ્રાણી હજી વધુ નુકસાન કરે નહીં તે બાબતને ધ્યાને લઇ જંગલખાતા દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી જણાય છે.
#Dahod #Sindhuuday