સ્વાગત સપ્તાહ અંતર્ગત તારીખ ૨૪,૨૫ અને ૨૬ એપ્રિલના રોજ ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્વાગત સપ્તાહ કાર્યક્રમના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓના ભાગરૂપે સ્વાગત સપ્તાહ અંતર્ગત તારીખ ૨૪,૨૫ અને ૨૬ એપ્રિલના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના કઠલાલ, મહેમદાવાદ અને ઠાસરા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ સિવાય તારીખ ૨૪,૨૫ અને ૨૬ એપ્રિલના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયેલની અધ્યક્ષતામાં મહુધા, નડીયાદ અને કપડવંજ ખાતે; જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની અધ્યક્ષતામાં ખેડા, ગળતેશ્વર અને માતર; તથા અધિક નિવાસી કલેક્ટર બી.એસ. પટેલની અધ્યક્ષતામાં વસો ખાતે તાલુકા સ્વાગત સ્વાગત કાર્યક્રમનુ આયોજન છે. તારીખ ૨૪ એપ્રિલ ૨૦૨૩ થી ૨૬ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન આયોજીત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પડતર રહેલ અરજીઓનો તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ આયોજીત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી ગુણવત્તાના ધોરણે નિકાલ કરવાનુ આયોજન છે. ઉપરાંત તા.૨૭ એપ્રિલ, ૨૦૨૩ને ગુરુવારના રોજ મુખ્યમંત્રીશ્રીના અધ્ક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. નોંધનીય છે કે નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪ એપ્રિલ, ૨૦૦૩ના રોજ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતા “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવતા પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવશે.