મહેમદાવાદ તાલુકાના અરેરીમા પતિએ પોતાની પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
મહેમદાવાદના અરેરી ગામમાં સાસરીમાંથી પતિએ તગેડી મુકેલી પરિણીતા પર પતિએ જ હુમલો કર્યો છે. પરિણીતા છેલ્લા દોઢ માસથી પોતાના વ્હેમી પતિના કંકાસથી પિયરમાં રહેતી હતી.
મહેમદાવાદ તાલુકાના અરેરી ગામની ૨૬ વર્ષિય યુવતીના લગ્ન આજથી થોડા વર્ષ પહેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઈસ્ટોલાબાદમા રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન આ દંપતિ બે સંતાનોના માતા-પિતા બન્યા, જેમાં એક દીકરી નવ વર્ષની તો એક દીકરો ચાર વર્ષનો છે. છેલ્લા એકાદ વર્ષથી પતિ પોતાની પત્ની પર વ્હેમની નજરથી જોતો હતો અને પોતાની પત્ની સાથે મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે ઘણી વખત યુવતી પોતાના પિયરમાં આવતી રહેતી હતી. જોકે, યુવતીના માવતર સમાધાન કરી યુવતીને પરત સાસરીમાં પતિ સાથે મોકલી દેતા હતા. છેલ્લા દોઢેક માસથી પતિનો ત્રાસ વધ્યો હતો અને ઝઘડો કરતા પરિણીતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. ગંઇકાલે સાંજના તેણીની પોતાના પિયર મહેમદાવાદના અરેરી ગામે હતી અને દૂધ ભરી પોતાના ઘરે જતી હતી. તે વખતે પતિએ અહીંયા આવી પરિણીતાને રસ્તામાં અટકાવી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પતિએ ચપ્પુ વડે પોતાની પત્ની પર હુમલો કર્યો હતો. આસપાસના લોકો આવી જતા પતિ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે પત્નીએ પોતાના પતિ સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.