નડિયાદની પરીણીતાને પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા મહિલા પોલીસમાં ફરીયાદ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદની પરીણીતાને પતિ તેમજ સાસરીયાઓએ દહેજ પેટે રૂપિયા ૨ લાખની માંગણી કરી હતી અને માગણી ન સંતોષાતા પતિ પોતાની પત્ની પર ખોટી શંકા રાખી ત્રાસ આપતો હતો. જ્યારે સાસુ, સસરા અને નણંદ પણ પરીણીતા પર અત્યાચાર ગુજારતાં હતાં. આ બાદ સાસરીમાંથી તગેડી મુકતા આ મામલે પીડીતાએ મહિલા પોલીસનો સહારો મેળવી ન્યાય માટે ફરિયાદ કરી છે. નડિયાદમાં રહેતી ૨૭ વર્ષિય યુવતીના લગ્ન આજથી આઠ વર્ષ અગાઉ આણંદ જિલ્લાના ખંભોળજ ગામે રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. શરૂઆતમાં ઘર સંસાર સારો ચાલતા એક દીકરીને જન્મ આપ્યો હતો. દિકરીના જન્મ બાદ દોઢેક માસ પછી પતિ પોતાની પત્ની પર ખોટો વ્હેમ રાખતો હતો.જે બાબતે પરીણીતા પોતાના સાસુ, સસરાને જાણ કરે તો તે પણ પોતાના દિકરાનો પક્ષ લઈને તેણીની સાથે ઝઘડો કરતાં હતા. અને સાસરીયાના લોકો તેણીને કહેતા કે તુ તારા પિયરમાંથી રૂપિયા ૨ લાખ લઈ આવ આ માગણી તેણીએ ન સંતોષતા પતિએ ધોલધપાટ મારી હતી. અને નાણાં નહી લાવે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. અને પીડીતાને દિકરી સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. જોકે પતિ પોતાની દિકરીને સાસરીમાંથી તેડી આવ્યો હતો. પણ પોતાની પત્નીને તેડી ન લાવતા પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે