દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ બપોર બાદ વાદળછાયા વાતારવણ વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો.
સિંધુ ઉદય
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ બપોર બાદ વાદળછાયા વાતારવણ વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં જિલ્લાના કેટલાંક તાલુકાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બ અને સરક્યુલેશનની અસરના કારણે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી બીજી તરફ કમોકસમી વરસાદને પગલે ખેડુતોમાં ચિંતાના વાદળો પણ છવાઈ ગયાં છે બીજી તરફ ગરબાડા તાલુકાના નવાગામ ખાતે વાવાઝોડાને પગલે એક વૃક્ષ ધરાશાઈ થઈ જતાં એક પશુનું મોત નીપજ્યાનું પણ જાણવા મળે છે.ભર ઉનાળે અને કાળઝાળ ગરમી વચ્ચે દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બના અને સરક્યુલેશનના અસરના કારણે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતો હોવાનું હવામાન વિભાગ દ્વારા કહેવાઈ રહ્યું છે ત્યારે આજરોજ બપોર બાદ અચાનક પવનના સુસવાટા સાથે, આકાશી વીજવીઓ સાથે કડાકા અને ધડાકા સાથે ભર ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ થયો હતો. દાહોદ શહેર સહિત ઝાલોદ, ફતેપુરા, સંજેલી, દેવગઢ બારીઆ, ગરબાડા જેવા વિસ્તારોમાં તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે કમોસમી વરસાદ પડતાં વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી. ગરમીથી મહદઅંશે લોકોને રાહત મળી હતી. કમોસમી વરસાદને પગલે દાહોદની એપીએમસીનો અનાજનો જથ્થો પણ પલળી જવા પામ્યો હતો. એપીએમસીમાં વેપારીઓ અને કામદારોમાં અનાજનો જથ્થો પલળતા બચાવવા માટે દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતાં ત્યારે બીજી તરફ ગરબાડા તાલુકાના નવાગામ ખાતે વાવાઝોડાને પગલે એક મહુડાનું વૃક્ષ ધરાશાઈ જતાં આ વૃક્ષની નીચે ગામમાં રહેતાં ભાભોર મકનસિંહ કેશવાભાઈના બળદને વૃક્ષની નીચે બાંધવામાં આવ્યા હતો. આ વૃક્ષ ધરાશાઈ થતાં બળદ વૃક્ષ નીચે દબાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ગામના સરપંચ અને તલાટીને કરવામાં આવતાં તેઓ દ્વારા જરૂરી તપાસ કરી પંચક્યાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.