નડિયાદની સીવીલ હોસ્પીટલ ખાતે બાળકો માટે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદની સીવીલ હોસ્પીટલ ખાતે બાળકો માટે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નડિયાદ સિવિલ હોસ્પીટલ ખાતે કલેકટર કે. એલ. બચાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ, સીવીલ હોસ્પીટલ નડિયાદ, જિલ્લા આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત નડિયાદ તથા માતૃછાયા અનાથ આશ્રમ, નિરાંત સેવાશ્રમ અને જીવન તિર્થં એન.જી.ઓના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે એક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાની શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળના કુલ ૨૪૩ બાળકો, જિલ્લા બાળ સુરક્ષા એકમના કુલ ૧૩૮ બાળકો અને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સીચ્યુએશન (CISS) હેઠળ નોંધાયેલા કુલ ૬૨ બાળકોનો સમાવેશ થાય છે. જિલ્લાની એન.જી.ઓ. દ્વારા કુલ ૧૩૨ બાળકો મળી કુલ ૫૯૪ બાળકોની શારીરીક તપાસ કરવામાં આવી હતી. વધુમાં સ્માઈલ ટ્રેઈન સંસ્થા સાથે જોડાયેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પીટલ વડોદરા દ્વારા કુલ–૨૫ બાળકોનાં ફાટેલા હોઠ અને તાળવાના નિદાન હેતુસર તેઓને વિના મુલ્યે ઓપરેશન કરી આપવા ક્રમઅનુસાર તારીખો ફાળવવામાં આવેલ છે તેમજ જરૂરીયાત વાળા બાળકોને તેઓની જરૂરીયાત મુજબ સિવિલ હોસ્પીટલના અલગ-અલગ વિભાગો જેવા ૩ પીડીયાટ્રીશીયન, ઓર્થોપેડીક અને સર્જરી વિભાગના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરી તેઓના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. વધુમાં ૩૦ જેટલા બાળકો ને ઉચ્ચ સારવારની જરૂરીયાત જણાતી હોઈ તેઓને વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તમામ બાળકો અને સાથે આવેલ વાલીઓને માતૃછાયા અનાથ આશ્રમ અને નિરાંત સેવાશ્રમ તરફથી નાસ્તો અને ઠંડા પીણાની સુવિધા પુરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ બાળકો અને તબીબો સાથે બાળકના સ્વાસ્થ્ય અંગેની પુછપરછ અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું અને કેમ્પમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ તથા ક્રર્મચારીગણની સેવાઓને બિરદાવવામાં આવી હતી.