દેગાવાડાની ૨૪ સખીઓ દ્વારા ઉત્પાદિત સેનેટરી પેડ દાહોદની મહિલાઓના આરોગ્યનું કરે છે રક્ષણ

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવ નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટરી પેડનું ઉત્પાદન લીમખેડા તાલુકાના દેગાવાડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર્થિક સહયોગની બનાવવામાં આવેલા જયલક્ષ્મી સખી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માસિક ધર્મમાં સંકોચ અનુભવતી અને તે સમયે નકામા વસ્ત્રોના ઉપયોગ કરતી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને કપડાની આદત છોડાવી તેના સ્થાને સેનેટરી પેડ આપવાની પહેલમાં દેગાવાડાની આ ૨૪ સખીઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે.
આરોગ્યને સ્વચ્છતા સાથે સીધો સંબધ છે ત્યારે મહિલાઓએ માસિકધર્મ સમયે વિશેષ કાળજીની જરૂરીયાત રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારની ૪૧ ટકા મહિલાઓ જ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે. પરીણામે ગ્રામ્ય મહિલાઓમાં ચેપ લાગવાની, બિમાર પડવાની મોટી શક્યતાઓ રહેલી છે.
સેનેટરી નેપકીનના ઉપયોગના અભાવે યુવતીઓ-મહિલાઓ ખાસા માનસિક તણાવમાં પણ રહે છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓ માટે મોંઘા સેનેટરી નેપકિન ખરીદવા પણ મૂશ્કેલ છે ત્યારે, દાહોદના લીમખેડા તાલુકાના દેગાવાડા ગામની મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા સેનેટરી નેપકિન આરોગ્ય વિભાગ દ્વારા ખરીદી લઇ જિલ્લાની વિવિધ શાળાઓ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શુલ્ક આપીને મહિલાઓને સેનેટરી નેપકિનના ઉપયોગ બાબતે જાગૃતિનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે. મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ પણ બન્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની આ એકમ સ્થાપવામાં મોટી ભૂમિકા રહેલી છે. મિશન મંગલમ યોજના હેઠળ સ્થપાયેલા બહેનોના જયલક્ષ્મી સ્વસહાય જુથ વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યું હતું. જયલક્ષ્મી સ્વસહાય જુથની બહેનોને તાલુકા કક્ષાએથી રૂ. ૧૨ હજાર રિવોલ્વીગ ફંડ અને ગ્રામ સખી મંડળમાંથી ૫૦ હજાર લોનસહાય આપવામાં આવી હતી. સાથે મહિલાઓને સેનેટરી નેપકિન બનાવવા માટેની ૨૧ દિવસીય તાલીમ પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપી હતી. મહિલાઓ બે પાળીમાં કામ કરીને રોજના અંદાજે ૧૦૦૦ સેનેટરી પેડનું ઉત્પાદન કરે છે. સેનેટરી પેડના એક પેકેટમાં ૬ નંગ આવે છે, જેની કિંમત ૧૮ રૂ. થાય છે. દરેક મહિલા ઓછામાં ઓછા ૫ હજાર તો મહિને કમાય જ છે. પરીણામે તેમનું જીવનધોરણ ખાસું ઉચું આવ્યું છે.
જયલક્ષ્મી સ્વસહાય જુથના ધર્મિષ્ઠાબેન પટેલ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, આ ઉધોગે અમને સ્વાભિમાન સાથે જીવવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. અમારી દૈનીક જીવન જરૂરીયાતની વસ્તુઓ આ કમાણીમાંથી આસાનીથી મેળવતા થયા છે. અમારી આર્થિક સ્થિતિમાં મોટો ફર્ક પડયો છે. ઘણી મહિલાઓએ દૂધાળા ઢોર પણ આ આવકમાંથી વસાવ્યા છે.
આ જુથ દ્વારા તૈયાર કરવામાં આવતા સેનેટરી નેપકિનો મોટા ભાગે જિલ્લાનો આરોગ્ય વિભાગ જ ખરીદી લે છે અને આરોગ્ય વિભાગના સહયોગથી આંગણવાડી, શાળાઓ, કોલેજો, આરોગ્ય કેન્દ્રો ખાતે યુવતીઓ-મહિલાઓને વર્ષે અંદાજે ૩ લાખ જેટલા સેનેટરી નેપકિન નિ:શુલ્ક આપવામાં આવે છે. પરીણામે શાળા કોલેજની યુવતીઓમાં સેનેટરી નેપકિનના ઉપયોગ વિશે શરૂથી જ જાગૃકતતા આવે છે. આ દિવસોમાં સ્વચ્છતા રાખવાની અગત્યતા સમજે છે અને સાથે કિશોરવસ્તામાં જે માહિતી માતા આપે છે તેની માહિતી તેમને શાળામાંથી જ મળી જાય છે. પરિણામે શરમ સંકોચનું સ્થાન આત્મવિશ્વાસે લીધું છે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય મહિલાઓ મોટા ભાગે ઘરકામ સાથે એકાદ આર્થિક પ્રવૃતિ સાથે પણ જોડાયેલી હોય છે. પછી તે ખતીકામ, પશુપાલન હોય કે મજુરીકામ માટે સ્થાંળતરિત થતી શ્રમજીવી મહિલાઓની સંખ્યા પણ મોટી છે ત્યારે સેનેટરી નેપકિનના ઉપયોગની સમજ મેળવવી તેમના માટે ઘણી ઉપયોગી થઇ પડે છે.
સ્વાસ્થ્ય જાળવવા માટે જાગૃતતા ખૂબ જરૂરી છે અને આ જાગૃતતા યોગ્ય ઉંમરે મળી હોય તો જીવનભર ઉત્તમ સ્વાસ્થ્ય ટકી રહે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંકલન સાથે થઇ રહેલી આ કામગીરી ગ્રામ્ય વિસ્તારની યુવતીઓ અને મહિલાઓના આરોગ્યની દિશામાં સાબૂત કદમ છે.
#Dahod #Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!