નડિયાદમા બીએસએફ કર્મીની ખોટી ઓળખ આપી મહિલાના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદમા બીએસએફ કર્મીની ખોટી ઓળખ આપી મહિલાના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધી નડિયાદમાં ગઠીયાએ એક મહિલા યોગ ટીચરને છેતર્યા છે. બે વ્યક્તિઓએ બીએસએફ કર્મીની ખોટી ઓળખ આપી મહિલા ને ચૂનો ચોપડ્યો છે. ગઠીયાએ ગુગલ પે માં બે વખત નાણાંની રકમ લખી રીકવેસ્ટ મોકલતા જે સ્વિકારતા ૯૯.૯૯૯ નાણાં કપાઈ ગયા હતા. આ બનાવ મામલે નડિયાદ ટાઉનમા ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ શહેરમાં શીતલ સિનેમા પાછળ ડાકોર રોડ પર રહેતા સોનલબેન જીગરકુમાર પ્રજાપતિ પોતે શહેરના રામજી મંદિર ખાતે યોગનું કોચિંગ આપે છે. ૩ એપ્રિલ તારીખે સોનલબેનના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેને પોતાની ઓળખાણ બીએસએફ તરીકે આપી હતી. જેમાં વ્યક્તિએ જણાવ્યું હતું કે અમારે નડિયાદ ખાતે ટ્રેનિંગ ચાલે છે અને ૩૦ જવાનોને યોગની તાલીમ આપવાની છે તો તમે ફી શું લેશો આ સંદર્ભે ગઠીયાએ નડિયાદમાં આવેલ લોકેશન પણ મેસેજથી મોકલી આપ્યું હતું. જોકે બાદમાં જણાવ્યું કે તમારે ગેટ પાસ બનાવવો પડશે આ માટે તમે તમારું આધાર કાર્ડ મોકલી આપો અને અમારા ઉપલા અધિકારી આ સંદર્ભે વધુ વાતચીત કરશે.ત્યારબાદ બીજા નંબર ઉપરથી સોનલબેનને ફોન આવ્યો અને બીએસએફના સિનિયર ઓફિસર તરીકે ઓળખાણ આપીને પૈસાની લેવડદેવડમાં તમે શું વાપરો છો તેમ કહી મહિલાના ગુગલ પેમાં રૂપિયા બે જમા કરાવ્યા હતા અને આ બાદ આ ગઠીયાએ રૂપિયા ૪૯ હજાર ૯૯૯ની બે રીકવેસ્ટ મોકલી જે સોનલબેને સ્વિકારતા કુલ રૂપિયા રૂપિયા ૯૯ હજાર ૯૯૯ તેમના એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા. સોનલબેનને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની ખબર પડતાં જે તે સમયે સાયબર હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી અને આજે સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ઉપરોક્ત બે મોબાઇલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે