પીડિત મહિલાઓનું સંકટમોચક બનતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

દાહોદ જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા કાર્યકરોની ટીમ શોષિત-પીડિત, સામાજીક અન્યાયનો ભોગ બનેલી મહિલાઓની સમસ્યાઓનો સંવેદના અને કુનેહપૂર્વક ઉકેલ લાવી રહી છે. છેલ્લા બે મહિનામાં સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ૩૯ કેસોનું સંતોષકારક સમાધાન આણ્યું છે.
તાજેતરમાં જ બનેલી એક સંવેદનશીલ ઘટનાનો ઉલ્લેખ અહીંયા યોગ્ય રહેશે. સખી વનસ્ટોપ સેન્ટરે માનસિક રીતે અસ્વસ્થ એક મહિલાને તેના પરીવાર સાથે સુખદ મેળાપ કરી આપ્યો હતો. ઘરથી ભુલી પડેલી આ મહિલા સાથે તેના બે નાનકડા બાળકો પણ હતા. ભૂખથી તડપી રહેલા બાળકો અને મહિલાની સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા ટીમે પ્રેમપૂર્વક સંભાળ લીધી હતી અને મહિલાનું કાઉન્સલીંગ કરી તેની પાસેથી તેના પરીજનોની માહિતી મેળવી હતી.
આ મહિલા ખૂબ નાના બે બાળકોને તેડીને લીમખેડા બસસ્ટેન્ડે ઘણા સમયથી ઉભી હતી. તેના બંને બાળકો ભૂખથી રડી રહ્યા હતા. એક જાગૃત નાગરિકને લાગ્યું કે આ મહિલા કદાચ માનસિક અસ્વસ્થ્ય છે તેણે મહિલા અભયમનો ૧૮૧ નંબર જોડીને તેમણે જાણ કરી. તુરંત જ મહિલા અભયમની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને પૂછપરછ કરતા તે કશું બોલી શકતી નહોતી. મહિલાને કાઉન્સલીંગની જરૂરીયાત જણાતા મહિલા અભયમ ટીમ તેમને દાહોદ શહેરમાં આવેલા સખી વનસ્ટોપ સેન્ટરે મુકી ગયા.
સખી વન સ્ટોપ સેન્ટરના મહિલા ટીમે આ મહિલાને ભોજન આપ્યું. તેના બાળકોને દૂધ આપ્યું. પણ મહિલા હજુ પણ કંઇ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતી. તે શાંત થાય પછી તેના ઘર પરીવાર વિશે માહિતી મેળવવાનું નક્કી કરવામાં આવ્યું. અને સખી વનસ્ટોપ સેન્ટરમાં તેને આશ્રય આપવામાં આવ્યો. બીજા દિવસના કાઉન્સલીંગમાં ધીરે ધીરે મહિલાએ થોડી માહિતી આપી તેના પરથી તેમના ઘર પરીવારનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા. તેમના પરીજનો પણ મહિલાને શોઘી રહ્યા હતા. તેઓ તાત્કાલીક સેન્ટરે પહોંચી ગયા. આ મહિલાના ભાઇએ મહિલા થોડા સમયથી માનસિક રીતે અસ્વસ્થ્ય હોવાનું જણાવ્યું અને એક વર્ષનો છોકરો અને બે વર્ષની છોકરી સાથે લઇને ભૂલથી ઘરથી દૂર નીકળી ગઇ હોય રસ્તો ભૂલી ગઇ હોવાનું જણાવ્યું. મહિલાને લેવા આવેલા પરીવારે સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા કાર્યકરોનો ઘણો આભાર માન્યો.
સખી વનસ્ટોપ સેન્ટરના સંચાલક શ્રીમતી સંધ્યાબેન ડીંડોડ જણાવે છે કે, જિલ્લામાં મહિલાઓ સામાજિક અન્યાયનો ભોગ બની હોય તેવા કિસ્સા વધુ આવે છે. આવા કિસ્સામાં મોટે ભાગે પંચાયત (ગામના અગ્રણીઓ) બોલાવીને ન્યાય તોળવામાં આવે છે. જેમાં મોટે ભાગે સ્ત્રીઓના પક્ષને સાંભળવામાં જ નથી આવતો અને તેમને અન્યાય કરવામાં આવે છે. આવા કિસ્સામાં અમે બંને પક્ષને બોલાવીને સમજાવીએ છીએ. મહિલાના પક્ષની રજૂઆત સાથે તેને કેવી કાયદાકીય અને પોલીસની મદદ મળી શકે છે તે જણાવીએ છીએ અને બંને પક્ષે ન્યાયી સમાધાન લાવીએ છીએ. જરૂર જણાય એ કિસ્સામાં કાયદાકીય, પોલીસ અને તબીબી સહાય પણ આપવામાં આવે છે. માનસિક રીતે ભાગી પડેલી મહિલાઓનું નિષ્ણાંત કાઉન્સીંલર દ્વારા પરામર્શ કરવામાં આવે છે. મહિલા પાસે કોઇ આશ્રય સ્થાન ન હોય તો અહીં તેમને આશ્રય, ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ઘણા સંવેદનશીલ અને સામાજીક ગુંચવડભર્યા કેસોને પણ કુનેહપૂર્વક ઉકેલ્યા છે. થોડા સમય પહેલા એક સારી જગ્યાએ નોકરી કરતી યુવતીએ પોતાની સમસ્યા રજૂ કરી હતી. તેનો વાગ્દતા લગ્ન બાદ નોકરી છોડી દેવી અથવા સગાઇ તોડી દેવા કહેતો હતો. આ યુવકને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ખૂબ સરસ રીતે સમજ આપી હતી. અત્યારે યુવતી નોકરી પણ કરે છે અને સુખી ઘરસંસાર છે. એક વૃદ્ધ માનસિક રીતે અસ્વસ્થ્ય મહિલા જેના ઘરપરીવારની પણ કોઇ ભાળ મળતી નહોતી. તેને યોગ્ય પરામર્શ બાદ સુરત ખાતેના વૃદ્ધાસ્થાશ્રમમાં આશ્રય અપાવ્યો છે.
દાહોદ જિલ્લામાં આવેલું સખી વનસ્ટોપ સેન્ટર સાચા અર્થમાં પીડિત, શોષીત મહિલાઓ માટે મિત્ર અને માર્ગદર્શકની ગરજ સારે છે અને યુક્તિપૂર્વક સંબધોના તાણાવાણા પણ ઉકેલી જાણે છે. સાથે નાગરિકોની પણ જાગૃતિ એટલી જ આવશ્યક છે. શોષિત-પીડિત મહિલાઓએ પોતાનો અવાજ અવશ્ય ઉઠાવવો જોઇએ. તેમને દરેક પ્રકારની સહાય કરવા રાજય સરકાર હંમેશા તત્પર છે.
#Dahod #Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: