ખેડા જિલ્લાના અંદાજિત ૨૦,૨૨૨ ભૂલકાઓ લેશે બાલવાટિકામાં એન્ટ્રી.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના અંદાજિત ૨૦,૨૨૨ ભૂલકાઓ લેશે બાલવાટિકામાં એન્ટ્રી નડિયાદ તાલુકામાં સૌથી વધુ બાળકો લેશે બાલવાટિકામાં પ્રવેશ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી ત્યારે ખેડા જિલ્લામાં પણ દેશના ઉજવળ ભવિષ્ય સમાન નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ ૧૦,૩૩૯ બાળકો ધોરણ ૧માં પ્રવેશ લેશે. ઉપરાંત નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર વર્ષ:-૨૦૨૩-૨૪ થી પહેલી જૂનના રોજ ૫ (પાંચ) વર્ષ પૂર્ણ કરનાર બાળકોને બાલવાટિકા માં પ્રવેશ આપવામાં આવશે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં અંદાજિત ૨૦,૨૨૨ ભૂલકાઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવી ગમ્મ્ત સાથે જ્ઞાન મેળવી પોતાના જીવન ઘડતરનો પ્રથમ પાયો નાખશે. ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકામાં બાળવાટિકામાં ૧૧૫૮ બાળકો, કપડવંજ તાલુકામાં ૨૧૭૧ બાળકો, કઠલાલ તાલુકામાં ૧૭૯૧ બાળકો, ખેડા તાલુકામાં ૧૫૩૬ બાળકો મહેમદાવાદ તાલુકામાં ૩૦૦૯ બાળકો, મહુધા તાલુકામાં ૨૦૪૮ બાળકો, માતર તાલુકામાં ૧૮૭૦ બાળકો, ઠાસરા તાલુકામાં ૨૨૩૬ બાળકો, વસો તાલુકામાં ૮૬૧ બાળકો અને સૌથી વધુ નડિયાદ તાલુકામાં ૩૫૪૨ બાળકો બાળવાટિકામાં પ્રવેશ કરશે.નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળા પરિસરમાં કરવામાં આવી છે. તેમજ સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકાર નિયત કરે તે વર્ષથી બાલવાટિકા ના વર્ગો શરૂ કરવા અંગે પણ સૂચના આપવામાં આવી છે.બાલવાટિકામાં પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર (P.T.C), પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમાં (Diploma in Elementary Education- D.EI.Ed) અથવા પૂર્વ પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર (Pre P.T.C/D.P.SE)ની લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવશે. પ્રાથમિક હોય તેમને પણ નિમણૂંક આપી શકાશે. ઉલ્લેખનીય છે કે બાલવાટિકાના બાળકોને ભણાવવા માટેનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ૨૦૨૦’માં સૂચવ્યા મુજબ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT- Gujarat Council of Education Research and Training) દ્વારા યોગ્ય સંશોધન કરી તજજ્ઞો દ્વારા અલગથી તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ બાળકો માટે પુસ્તકીય જ્ઞાન નહિં પણ દેશના એક આદર્શ નાગરિક બનવાની તાલીમ સ્વરૂપ છે.બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકો જ્ઞાન સાથે યોગ્ય વાણી, વ્યવહાર અને વર્તનના પાઠ નાનપણથી જ શીખશે. બાળકોને બાળવાટિકાના અભ્યાસક્રમમાં શિષ્ટતા, ઘર-કુટુંબ, ખોરાક, શરીર સ્વાસ્થ્ય, ઋતુ, પાણી, માટી, શાકભાજી, ફળો, પ્રાણીઓ, પક્ષીઓ આરોગ્ય અને સુખાકારી, સલામતી વગેરે જેવા વિષયો પર શિક્ષણ અપાશે. બાળકો માટે બાળવાટિકામાં સોહાર્દપૂર્ણ વાતાવરણ સાથે ભણવાની મજા આવે તે રીતનું વાતાવરણ ઉભું કરવામાં આવશે. જેથી તેમના ઉજવળ ભવિષ્યનું પ્રથમ પગલું સરળ બને. આમ બાલવાટિકા એ બાળકોને એક વર્ષ માટે અભ્યાસથી વંચિત નહીં દેશના ઉજવળ ભવિષ્ય માટે સુસિંચિત કરે છે. અને એટલે જ ખેડા જિલ્લાના ૨૦,૨૨૨ ભૂલકાઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવવા બાલવાટિકા પ્રવેશ માટે છે તૈયાર.