નડિયાદના જૂના ડુમરાલ રોડ પર ગટરો ઉભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદના જૂના ડુમરાલ રોડ પર ગટરો ઉભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નડિયાદ શહેરના જુના ડુમરાલ રોડ વિસ્તારમાં રહેતા લોકોને છેલ્લા ૨ વર્ષ ઉપરાંતથી ગટરની ગંદકીનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા તંત્રના મુખ્ય અધિકારીઓને પાલિકાના પ્રમુખને, વોર્ડના મેમ્બરોને વારંવાર મૌખિક લેખિત અને ઈમેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા રહીશોમાં રોષ ફેલાયો છે.શહેરના જુના ડુમરાલ ગામમાં જવા માટેના મુખ્ય માર્ગ પર છેલ્લા ૨ વર્ષથી ગટરના ગંદા પાણી રોડ પર રેલાય છે. ગામના લોકો માટે અવરજવર કરવાનો આ મુખ્ય રસ્તો હોવાને કારણે ૧૦ થી ૧૨ હજાર લોકો આ રસ્તા પર અવરજવર કરતા હોય છે. ઉપરાંત વોર્ડ નં.૧૧ ની ૬ થી વધુ સોસાયટીઓ, ઠાકોરવાસ અને મારવાડી વાસના લોકો આ વિસ્તારમાં રહે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના કારણે વિસ્તારમાં રહેવુ મુશ્કેલીભર્યું બની ગયુ છે. આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર આવેલ સાંઈ ડેરી ફાર્મમાંથી રસ્તા પર નળી મારફતે બહાર નીકળતા પશુઓના મળમૂત્રને કારણે રોડ પર ગંદકી ફેલાઇ હતી. જેની દુર્ગંધના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તથા ડેરીની અને પાલિકાની જોડતી ગટર લાઇન ચોકઅપ થવાની સમસ્યા ઉભી થઇ હતી. જેના કારણે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. માર્ગ પર ગંદા પાણી ભરાવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં ચોમાસાના સમયમા વિસ્તારના લોકોનું રહેવુ પણ મુશ્કેલી ભર્યું બની ગયું હતું.આ બાબતે ચીફ ઓફિસર, પાલિકાના એન્જિનિયર, વોર્ડના મેમ્બરોને રજૂઆત કર્યા બાદ કોઇ નિકાલ આવ્યો નથી. ઉપરાંત છ મહિના અગાઉ ચીફ ઓફિસર દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ હાલના સમયમાં પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન હતો.