કપડવંજમાં વાવાઝોડાના કારણે ઉડેલું પતરૂ એક વ્યક્તિને લાગતા ગંભીર ઈજા પહોંચી .
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
કપડવંજમાં વાવાઝોડાના કારણે ઉડેલું પતરૂ એક વ્યક્તિને લાગતા ગંભીર ઈજા પહોંચી ખેડા જિલ્લામાં વાવાઝોડાને પગલે ઘણા બધા વૃક્ષો તેમજ પતરા ઉડવાના બનાવો સામે આવ્યા હતા. જોકે મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવનને કારણે ઉડેલું પતરૂ વાગતા કપડવંજ પંથકમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરની મદીના મસ્જિદ પાસે સફીભાઈ કાસમભાઈ શેખ ઉ.૪૫, રહે.ઘાંચી બારી, સાંજે ઓટો રીક્ષા લઈ ઉભા હતા. ત્યારે ભારે વાવાઝોડુ ફુંકાવાનું શરૂ થઈ ગયુ હતુ. અચાનક ક્યાક થી એક પતરૂ ઉડીને ત્યા આવી પહોંચ્યુ હતુ અને રીક્ષા પાસે ઉભા રહેલા સફીભાઈને માથામાં પાછળના ભાગે વાગ્યું હતુ. પતરૂ વાગતા સફીભાઈને ગંભીર ઈજા થઈ હતી અને સ્થળ પર જ લોહી નીકળવા લાગ્યું હતું અને સફીભાઈ ત્યાજ ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ આવી ગયા હતાં તુરંત તેઓને સારવાર માટે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યા ડોક્ટરે તેઓને માથામાં પાછળના ભાગે ૧૫ ટાંકા લઈ લોહી અટકાવ્યું હતુ. જોકે સફી ભાઈની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.