નડિયાદમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાશ્રેયસ ગરનાળામાં સ્કૂલ બસ ફસાઈ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, નડિયાદ, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા વરસ્યા છે. જિલ્લા વાસીઓ છેલ્લા કેટલાક સમયથી ગરમી ઉકળાટનો સામનો કરતા હતા અને આજે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. નડિયાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તાર , વૈશાલી ગરનાળા , માઈ મંદિર ગરનાળા , ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા હતા. નડિયાદ ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા નાગરિકો વાહનો લઈ જતા મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. નડિયાદ શહેરમાં શનીવારે વહેલી સવારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે સાહસ કરી પાણીમાં નાખતા બસ બંધ પડી ગઈ હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા ગયા હતા. આસપાસના નાગરિકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા. જોકે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા અને પુનઃ વાહન વ્યવહાર આ ગરનાળામાં ધમધમવા લાગ્યો હતો.