દાહોદ શહેરમાં હાલ પીવાના પાણીની ભારે સમસ્યાનો સામનો શહેરીજનોને કરવો પડી રહ્યો છે.

નીલ ડોડીયાર

દાહોદ

દાહોદ શહેરમાં હાલ પીવાના પાણીની ભારે સમસ્યાનો સામનો શહેરીજનોને કરવો પડી રહ્યો છે.

દાહોદ નગરપાલિકા દ્વારા આમ તો પાણીનો વેરો નજરજનો પાસેથી રાબેતા મુજબ ઉઘરાવતી રહે છે પરંતુ તેની સામે નગરજનોને પીવાના પાણીની સુવિધા આપવામાં દાહોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નિવડી રહ્યું છે જેને પગલે દાહોદ નગરવાસીઓમાં ભારે રોષ પણ ફેલાવા પામ્યો છે.આકરા ઉનાળામાં દાહોદ નગરવાસીઓને પાણીના ટેન્કરો મંગાવી પાણીની પુરતી કરવી પડી હતી. ભર ઉનાળામાં દાહોદ નગરવાસીઓ પાણી માટે વલખા મારતાં પણ જાેવા મળ્યાં છે. દાહોદના દરેક વોર્ડમાં અનિયમીત પાણી અને એ પણ માત્ર ગણતરીની મીનીટોમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવાતાં પણ શહેરીજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે. દાહોદ નગરનો એવો કોઈ વોર્ડ નહીં હોય જ્યાં રાબેતા મુજબ પીવાનું પાણી મળતું હોય. ઘણા વિસ્તારોમાં તો અઠવાડીયા સુધી પાણી આવતું ન હોવાની બુમો પણ ઉઠવા પામી છે જેના પગલે આવા વિસ્તારોમાં લોકોને પાણીના ટેન્કરો સ્વખર્ચે મંગાવવાની ફરજ પણ પડી રહી છે. નળ સે જળ યોજનાની મોટી મોટી ગુલબાંગો વચ્ચે સરકારની આ યોજના દાહોદ શહેરમાં માત્રને માત્ર કાગળ પર હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. દરેક વોર્ડના વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા માત્ર શોભાના ગાંઠીયા સમાન પાણીના મીટરો તેમજ નળો નાંખી દેવામાં તો આવ્યાં છે પરંતુ નળમાંથી પાણીની જગ્યાએ માત્ર હવા આવી આવી રહી છે. દાહોદ નગરપાલિકાના સત્તાધિશો શહેરીજનોને પ્રાથમીક સુવિધાઓ આપવામાં અસમર્થ નીવડી રહ્યું છે અને તેમાંય ખાસ પીવાનું પાણી આપવામાં દાહોદ નગરપાલિકા સદ્દન નિષ્ફળ નીવડ્યું છે. દાહોદ નગરપાલિકા કાઉન્સીલરો દ્વારા પોત પોતાના વિસ્તારના લોકોને સોશિયલ મીડીયા મારફતે મેસેજાે પણ વહેતા કરે છે અને તેમાં જણાવે છે કે, આજે પાણી નહીં આવે, ત્યારે આવા મેસેજાેને પગલે પણ લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. એક અથવા બે દિવસ છોડીને પાણી પુરવઠો આપવાની વાતો પણ પોકળ સાબીત થઈ રહી છે. એક, બે દિવસ છોડો અઠવાડીયા સુધી શહેરીજનોને પાણી મળતું નથી અને ઘણા વિસ્તારોમાં તો પંદર પંદર દિવસો સુધી પાણી મળતું ન હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે તેની સાથે સાથે અગર જાે પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે તો માત્ર ગણતરીની મીનીટોમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને તેમાંય ઘણા વિસ્તારોમાં પાણીનો ફોર્સ ન આવતો હોવાની ફરિયાદો પણ શહેરીજનો કરી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા રાબેતા મુજબ પાણીનો વેરો તો વસુલ કરે છે પરંતુ તેની સામે પાણીની સુવિધા આપવામાં દાહોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું છે. સરકારી કાર્યક્રમો અને ચુંટણી સમયે મોટી મોટી ગુલબાંગો પોકારતાં સરકારી બાબુઓ જાણે દાહોદ શહેરીજનોને સુવિધા આપવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગયાં હોવાનું પણ પ્રતિત થઈ રહ્યું છે. રાજકીય પક્ષો દ્વારા સરકારી તાયફાઓ કરવાને બદલે લોકોને હિતને ધ્યાનમાં રાખી પ્રજાના હિતમાં કામ કરે તે અત્યંત આવશ્યક છે બીજી તરફ દાહોદ શહેરને પુરૂ પાડતી કડાણા અને પાટાડુંગરી ડેમના નીરના પાણી દાહોદ શહેરીજનોને મળતાં ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. કડાણા અને પાટાડુંગરી ડેમમાં દર વખતે કોઈને કોઈ ખામીને પગલે ભંગાણ સર્જાતા આવે છે અને તેનો ખામીયાજાે દાહોદ શહેરીજનોને વેઠવો પડે છે. આ ડેમોમાં પાણીની પાઈપ લાઈનોમાં ભંગાણ સર્જાવાની વાતો કંઈ નવી નથી. કોઈને કોઈ દિવસે આ ડેમોના પાણીની પાઈપ લાઈનોમાં ભંગાણ સર્જાતા શહેરીજનો પાણીથી વંચિત રહેતા આવ્યાં છે ત્યારે આ મામલે સંબંધિતોને પુછવામાં આવતાં સંબંધિત અધિકારીઓથી લઈ દાહોદ નગરપાલિકાના સત્તાધિશો પાસે આ મામલે કોઈ નક્કર અને વિશ્વાસપાત્ર જવાબ મળતો નથી. દાહોદ શહેર સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ પાણીનો પ્રશ્ન આગામી દિવસોમાં પણ યથાવત્‌ રહેશે કે પછી સ્માર્ટ સીટી બન્યા બાદ પણ શહેરીજનોને પાણી માટે વલખા મારવા પડશે ? તે તો આવનાર સમયજ કહેશે પરંતુ હાલ દાહોદ નગરવાસીઓ પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે તે દિશામાં સંબંધિત તંત્રો ધ્યાન આપે તે અત્યંત જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: