નડિયાદની પરિણીતાને પિયર મૂકી પતિ એ કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદની પરિણીતાને પિયર મૂકી પતિ એ કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં નડિયાદ શહેરના સમીર પાર્કમાં રહેતા મહિલાના તા.૬ જૂન ૨૦૦૫ના રોજ રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નજીવનમાં પરિણીતાએ એક દિકરીને જન્મ આપ્યો હતો જે હાલ ૧૩ વર્ષની છે. લગ્નજીવનના થોડા વર્ષો બાદ પતિ મહમદ રફીક શેખ નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારઝુડ કરતા હતા. પરંતુ ઘરસંસાર બગડે નહીં તે માટે તે સહન કરતા હતા. તા.૨૦ નવેમ્બર ૨૦૨૨ ના રોજ પરિણીતાના પતિ કામ પર ગયા હતા. તે સમયે પરિણીતાની માતાની તબિયત ખરાબ થતા તેઓએ ફોન કરી કહ્યું હતું કે હુ પિયરમાં માતાની ખબર જોવા જાઉં છું, તેથી પતિએ કહ્યું હતું કે હુ સાંજે આવું એટલે જઇશુ, પરંતુ પતિને આવવામાં મોડું થાય તેવું જણાતા પરિણીતા પિયરમાં માતાની ખબર જોવા માટે ગયા હતા. ત્યારબાદ પતિ પરિણીતાને લેવા નડિયાદ આવ્યા હતા.જતી વખતે દંપતિ કારમાં ઝઘડી પડતા પતિ પરિણીતાને પિયરમાં મૂકી જતા રહ્યા હતા. ત્યારબાદ બંને પક્ષે વકીલ મારફતે એકબીજાને નોટિસ મોકલી હતી. જ્યાં પતિએ બીજી વારની નોટીસમાં જણાવ્યું હતું કે, મારે તને તેડી જવી નથી. ત્યાર બાદ પરિણીતાએ મહિલા પોલીસનો સંપર્ક કરતા પતિએ તેડી જવાની ના પાડી હતી અને જણાવ્યું કે હું ખાધા ખોરાકી આપીશ પણ તને તેડી જવાનો નથી. તેથી પરિણીતાએ નડિયાદ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. દરમિયાન જાણ થઈ હતી કે પરિણીતાના પતિએ અમદાવાદની કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ બનાવ અંગે મહિલા પોલીસે મહંમદ રફીક અલ્લારખા શેખ વિરુદ્ધ ગુનો નોધ્યો છે.


