જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) વાનગી હરીફાઈ યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) વાનગી હરીફાઈ યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે જિલ્લા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેડા જિલ્લાના તમામ તાલુકામાંથી કુલ ૪૫ આંગણવાડી બહેનો દ્વારા મિલેટ્સના ઢોકળા, રાગી, શીંગ, ચણા અને તલના લાડુ તથા મિલેટ્સનો પાપડી ચાટ જેવી વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ વાનગી હરીફાઈમાં પ્રસ્તુત કરેલ વિવિધ વાનગીઓનું મૂલ્યાંકન કર્યું હતું અને આ સ્પર્ધામાં વિજેતા આંગણવાડી બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલે મીલેટ્સ એટલે કે શ્રી અન્નને ભારતીય ખેતીની આગવી ઓળખ ગણાવતા મિલેટ્સ પાકના વિવિધ ફાયદાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મીલેટ્સ પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બન્ને માટે વિશેષ લાભદાયી છે. ઓછા પાણીએ તૈયાર થતા શ્રી અન્નના વિવિધ ધાન્યો જેમકે બાજરી, જુવાર, રાગી વગેરે પોષણયુક્ત અને સ્વાસ્થયપ્રદ હોવાથી ઉપસ્થિત તમામને શ્રી અન્નનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. ગોયેલે આ પ્રસંગે મિલેટ્સ વાનગી સ્પર્ધામાં ભાગીદાર થવા બદલ જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને વિજેતા બહેનો ઝોનલ કક્ષાએ પણ ઉચ્ચ પ્રદર્શન કરે એવી શુભેચ્છાઓ આપી હતી.
આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટે મિલેટ્સ વાનગી સ્પર્ધા કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઉજવણી ૨૦૨૩ અંતર્ગત ખેડા જિલ્લામાં તા. ૭ જુલાઈથી શરૂ થયેલ સેજા કક્ષાએ, ઘટક કક્ષાએ અને આજે જિલ્લા કક્ષાએ મિલેટ્સમાંથી તૈયાર કરેલ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા સંપન્ન થઈ છે. આ સ્પર્ધાનો મૂળ ઉદ્દેશ્ય છેવાડાના માણસો સુધી આંગણવાડી બહેનોના માધ્યમથી શ્રી અન્નના સ્વાસ્થ્ય પર વિવિધ લાભનો સંદેશ આપવાનો છે.
આ કાર્યકમમાં ઈનચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપક રબારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ધ્રુવે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર શ્રી સાજેદા સબાસરા, જિલ્લા પંચાયત હિસાબી અધિકારી રાજુ પ્રજાપતિ ઈનચાર્જ નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, આઈસીડીએસના મદદનીશ પ્રાયોજન અધિકારીઓ, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ સહિત જિલ્લાના આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.