ખેડાના રઢુ ગામે તલવાર, લાકડી, પાઈપ થી ૩ લોકો પર જીવલેણ હુમલો કરતા ફરીયાદ.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડાના રઢુ ગામે તલવાર, લાકડી, પાઈપ થી ૩ લોકો પર જીવલેણ હુમલો કરતા ફરીયાદ
ખેડાના રઢુ ગામે પત્નીના પીયર પક્ષના લોકોએ ખાર રાખી સાસરીમાં તલવાર, લાકડી, પાઈપ લઈ આવી ૩ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં ૪ સામે ફરિયાદ નોંધાઈ છે. ખેડા તાલુકાના રઢુ ગામે નાયકા રોડ પર આવેલ આશીયાના સોસાયટીમા રહેતા આમીનભાઈ ઉસ્માનભાઈ વ્હોરા પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો નાનો ભાઈ ફેજલ પોતાની પત્ની નજમાબેન સાથે જુદા રહે છે. ૨૪ જુલાઈના રોજ આ ફેજલ અને તેની પત્ની નજમાને કોઈ બાબતને લઈને અંદરોઅંદર ઝઘડો થયો હતો. જેથી આ બાબતની રીસ રાખી નજમાબેનના પીયરના માણસો સમીરભાઈ આરીફભાઈ વ્હોરા, આરીફભાઈ સફીમહંમદ વ્હોરા, આમીનભાઈ આરીફભાઈ વ્હોરા અને નિહાલભાઈ ઉસ્માનભાઈ વ્હોરા (તમામ રહે.પેટલાદ) રાત્રીના રોજ ઈકો કાર લઈને રઢુ ગામે આશીયાના સોસાયટીમા આવ્યા હતા. જ્યાં ફેજલના મોટાભાઈ આમીનભાઈ તેમજ તેમના કૌટુંબિક લોકો સાથે ઝઘડો કર્યો હતો.ઝગડો બિચકતાં નજમાબેનના પીયરના માણસોએ ગાડીમાંથી તલવાર અને લાકડી તેમજ લોખંડની પાઈપો કાઢી આમીનભાઈ અને તેમના કૌટુંબિક લોકો પર હુમલો કર્યો હતો. આ બનાવમાં ૩ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં આમીનભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, આસીકભાઈ ઉસ્માનભાઈ વ્હોરા તેમજ સોયેબભાઈ યાસીનભાઈ વ્હોરાનો સમાવેશ થાય છે. આ બનાવ મામલે આમીનભાઈ વ્હોરાએ ૪ હુમલાખોરો સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં સામાપક્ષે પણ ફરિયાદ નોંધાઇ જવા પામી છે. જેમાં આરીફભાઈ સફીમહંમદ વ્હોરા (રહે.પેટલાદ)ની ફરિયાદમાં જણાવાયું છે કે, પોતાની દિકરીના પતિને સમજાવવા જતાં ઠપકો આપતાં મામલો ઉગ્ર બન્યો હતો અને સામેવાળાઓ ઉશ્કેરાઈને લોખંડની પાઈપ અને તલવાર લઈ આવી હુમલો કર્યો હતો. જેમાં ૫ લોકો ઘાયલ થયા હતા. આથી આરીફભાઈએ ઉપરોક્ત હુમલો કરનાર આમીનભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, આશીકભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, મોઈનભાઈ યાસીનભાઈ વ્હોરા અને સાએબભાઈ યાસીનભાઈ વ્હોર (તમામ રહે.રઢુ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
