મહુધા રોડ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણ વ્યક્તિઓ ધાયલ.
મહુધા રોડ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણ વ્યક્તિઓ ધાયલ
નડિયાદ-મહુધા રોડ પર ગઇકાલે રાત્રે પુરપાટે આવતી એસટી બસે સીએનજી રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા રોડ પર પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં રીક્ષામાં બેઠેલ એકનું મોત નિપજ્યું છે. જ્યારે 3 વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ પાસે મહુધા તાલુકાના કડી ગામે ખોડિયારપુરા વિસ્તારમાં રહેતા અજયભાઈ જે રીક્ષા ચલાવે છે. ગતરોજ સાંજે તેઓ ગામના સુરેશભાઈ રમણભાઈ ભોજાણી, રાજુભાઇ ઉર્ફે રાકેશભાઈ ડાહ્યાભાઈ ભોજાણી અને સાસ્તાપુરના હિતેશભાઈ રમણભાઈ ભોઈ ચારેય લોકો અજયભાઈની રીક્ષામાં નડિયાદ આવ્યા હતા. જ્યાંથી મોડી રાત્રે તેઓ પરત પોતાના ઘરે જવા નીકળ્યા હતાં અજયભાઈની રીક્ષા હિતેશભાઈ રમણભાઈ ભોઈ ચલાવતાં હતા અને બાકીના ત્રણેય લોકો રીક્ષાના પાછળ બેઠા હતા. આ તમામ લોકો નડિયાદ-મહુધા રોડ પરથી દવાપુરા પાટીયા પાસેથી પસાર થતાં હતા. તે દરમિયાન સામેથી આવતી હિંમતનગર-નડિયાદ બસ ના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે રીક્ષા રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અજયભાઈ ભોજાણીને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. જ્યારે ચાલક સહિત અન્ય 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા ૧૦૮મા સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે મરણજનારના મોટાભાઈ વિજયભાઈ ભોજાણીએ ઉપરોક્ત એસટી બસના ચાલક સામે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.