દાહોદ જિલ્લામાં શાકભાજીના વેપારીઓ બીજા વેપારીથી અંતર રાખી વેપાર નહી કરે તો થશે પોલીસ કાર્યવાહી
દાહોદ તા.23
સમગ્ર દાહોદ જિલ્લામાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ વધે એટલા માટે જાહેરસ્થળોએ લોકોની ચહલપહલ ટાળવા માટે સીઆરપીસીની કલમ ૧૪૪ મુજબનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેનો બીજો અર્થ એવો થાય છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં લોકડાઉન અથવા તો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આમ છતાં, આમ નાગરિકોને કોઇ અગવડના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલીક આવશ્યક સેવાઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. પણ, આવી સેવાના સંચાલકોએ પણ કેટલીક તકેદારી રાખવી પડશે. આ માટે કેટલીક સામાન્ય માર્ગદર્શિકા નીચે મુજબ છે.
પ્રવર્તમાન દિવસોમાં શાકભાજી અને કરિયાણાના વેપારીઓ પાસે ખરીદદારોની ભીડ વધુ રહે છે. વળી, દાહોદ નગરમાં શાકભાજીના પાથરણાવાળા નાનાવેપારીઓ એકબીજાથી ખૂબ જ નજીક બેસે છે. આ શાકભાજીના વેપારીઓ બીજા વેપારીથી ઓછામાં ઓછું ચાર ફૂટનું અંતર રાખી વેપાર કરે તે જરૂર છે.
જો આમ નહીં કરવામાં આવે તો તેમની સામે પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરાઇ શકે છે. કરિયાણા અને શાકભાજીના વેપારીઓ એક ગ્રાહકથી બીજા ગ્રાહક વચ્ચેનું સુરક્ષિત અંતર નક્કી કરીને જ વેપાર કરે છે. શાકભાજીના વેપારીઓ પોતાને ત્યાં ગ્રાહકોના ટોળા ન થવા દે હિતાવહ છે.
કરિયાણાના વેપારીઓ પણ ઉક્ત પ્રમાણે આયોજન કરે છે. જેથી એક ગ્રાહકથી બીજા ગ્રાહક વચ્ચે સલામત અંતર રહી શકે. વળી, આવા વેપારીઓ પોતાની દૂકાન કે વેપારના સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરી રાખે છે. તેમને ત્યાં આવતા ગ્રાહકો નાક આડે કોઇ રૂમાલ કે માસ્ક લગાવેલા હોય તેવો આગ્રહ રાખે તે જરૂરી છે. કરિયાણાના વેપારીઓ પણ ગ્રાહકોની ભીડ ન થવા દે ઇચ્છનીય છે.
નાણાંકીય સંસ્થાઓ એટલે કે, બેંકોના વ્યવસ્થાપકોને સલાહ આપવામાં આવી છે કે, તેમને ત્યાં નિયત અંતરે ફૂટમાર્ક બનાવવામાં આવે અને તે જ પ્રમાણે ગ્રાહકોને બેંકિંગ સેવાઓ આપવામાં આવે. જેમ કે, કેશિયર કાઉન્ટર પાસે નિયત અંતરે પટ્ટા દોરી તે રીતે ગ્રાહકોની લાઇન ગોઠવવામાં આવશે. આ જ પ્રકારે એટીએમમાં પણ કરવામાં આવે. બન્ને સ્થળે સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. બેંકિંગ જેવી વ્યવસ્થા દવાખાનાઓમાં પણ ગોઠવવામાં તે સલાહભર્યું છે.
#dahod sindhuuday

