મિત્રતા દિવસે મિત્રને મળવા જતાં યુવાનનુ અકસ્માતમાં મોત નિપજ્યું.
નરેશ ગનવાણી
મિત્રતા દિવસે મિત્રને મળવા જતાં યુવાનનુ અકસ્માતમાં મોત નિપજ્યું ખેડા જિલ્લામાં રવિવારે અમદાવાદ-ઇન્દોર હાઈવે પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના યુવાન સાસરીમાંથી મોટરસાયકલ લઈને મિત્રને બાલાસિનોર મળવા જતા અકસ્માતમાં મોત નિપજ્યું છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સરખેજ રોડ પર રહેતા મોહમ્મદસાહીદ નજીરઅહેમદ અનસારી પોતે પરણીત છે અને તેમને સંતાનમાં ૪ બાળકો છે. તેમની સાસરી ગોમતીપુર અમદાવાદમાં છે. રવિવારે મોહમ્મદસાહીદ પોતાની સાસરીમાં આવ્યા હતા અને ત્યાંથી પોતાનું મોટરસાયકલ પર મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રહેતા મીત્રને મળવા માટે જતાં હતા. ત્યારે સાંજના સમયે તેઓ ખેડા જિલ્લાના કઠલાલ પાસેના પોરડા ફાગવેલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ વાહને તેમના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. તેથી મોહમ્મદસાહીદ મોટરસાયકલ સાથે રોડ પટકાયા હતા. જેના કારણે તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે મરણજનાર સસરા મહોમ્મદરફીક અખ્તરહુસેન અન્સારીએ અજાણ્યા વાહન ચાલક સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.