ખેડા જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની મહેમદાવાદ ખાતે રાજયકક્ષાના કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી
ખેડા જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની મહેમદાવાદ ખાતે રાજયકક્ષાના કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી આજે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ખેડા જિલ્લા કક્ષાની ઉજવણી રાજયકક્ષાના કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મહેમદાવાદ ખાતે શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ સોનાવાલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ત્રિરંગો લહેરાવી સલામી ઝીલી ભારત માતાને હદયપૂર્વક વંદન કર્યા હતા.સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસે આઝાદી માટે ત્યાગ, બલિદાન આપનાર બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતા મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધરતીના વીર સપૂતો અને ક્રાંતિકારીઓને યાદ કરવા તેમના શૌર્ય, સાહસ, અને સંઘર્ષને આદર આપવા માટે “મેરી માટી, મેરા દેશ” અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. ખેડાની ભૂમિને ક્રાંતિકારીઓની ભૂમિ વર્ણવતા મંત્રીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ ભાઈ પટેલ, ગાંધીજીની દાંડી યાત્રામાં ખેડાનું મહત્વ, ખેડા સત્યાગ્રહમાં અમૂલ્ય યોગદાન આપનારા કઠલાલના મોહનલાલ પંડ્યા સહિત વીર વિઠ્ઠલભાઈ તથા જિલ્લાના વીરોને સ્મર્ણાંજલી અર્પી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ભારતમાં ખેડા જિલ્લો “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદગી પામ્યો છે. જેમાં શ્રમિકોને ૧૦ લાખ રૂપિયા સુધી આરોગ્ય કવચ અને જીવન સુરક્ષા કવચ સરકારના નજીવા દરે પ્રાપ્ત થાય છે. જેમાં ખેડા જિલ્લાના ૬૦,૦૦૦થી વધુ શ્રમિકોએ “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ની પોલિસી લીધી છે. વધુમાં મંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જણાવ્યું કે ટપાલ વિભાગ દ્વારા ૨.૨૫ કરોડ તિરંગા ભારતભરમાં ઘરે ઘરે પહોંચાડી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉમદા કામગીરી કરી છે. ભારતની કલ્યાણકારી યોજનાની વાત કરતા મંત્રી એ જણાવ્યું કે રૂ.૧૧.૩૯ કરોડ ખેડૂતોને પી.એમ.કિશાન યોજનાનો લાભ મળ્યો છે. “સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ” અંતર્ગત ગામડાઓમાં રૂ.૧૧.૭૨ કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. જનધન ખાતા દ્વારા રૂ ૨૬.૫૪ કરોડ કરતા વધુ મહિલાઓને બેંક સાથે જોડી છે. રોજગાર ક્ષેત્રે ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન અંતર્ગત ચાલુ વર્ષમાં તબક્કાવાર ૦૫ રોજગાર મેળાઓ યોજવામાં આવ્યા છે. જેમાં ૦૪ લાખ થી વધુ નિમણુંક પાત્રો આપવામાં આવ્યા છે.ખેડા જિલ્લાને ગર્વની વાત જણાવતા મંત્રીએ જણાવ્યું કે જિલ્લાની ૨૭૨ ગ્રામપંચાયતોમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયત દીઠ ૭૫ થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં ખેડા જિલ્લો ૬૪%ની એચીવમેન્ટ સાથે ગુજરાતમાં અગ્ર હરોળમાં છે. ૨૮, હજાર થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂ.૧૨૫ કરોડથી વધુની સહાય પુરી પાડવામાં આવી છે. રાજ્ય માં ૫૭૫૪ સહકારી મંડળીના ડિજિટાઈઝેશન માટે રૂ ૧૨૩.૬૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૧૫,૬૬૬ જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલ શિક્ષણ સહાય આપવામાં આવી છે. સાથોસાથ ગુજરાતના આ વિકાસલક્ષી બજેટમાં રાજ્યમાં ૨૦૦ થી વધુ યોજનાઓ મહિલાલક્ષી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીએ આયુષ્યમાન ભારત કાર્ડ વિષે જણાવ્યું કે, ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠણની સહાય રૂ.૫ લાખ થી વધારીને સરકારે ૧૦ લાખ કરી છે. રાજ્યમાં આયુષ્યમાન કાર્ડધારક લાભાર્થીઓની સંખ્યા વધીને ૧.૭૭ કરોડ થઇ છે. ગુજરાતના ખૂણે ખૂણા પર ગુજરાત પોલીસના “વિશ્વાસ” “સાયબર આશ્વત” પ્રોજેક્ટ હેઠળ નજર છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ૨૦૦ કેમેરા હેઠણ ૪૧ સ્થળો અને ડાકોર ખાતે ૨૯ સ્થળોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ કોર્ટનું જીવંત પ્રસારણ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. એ પારદર્શી ન્યાય પ્રાણલીનુ ઉત્તમ ઉદાહરણ છે.તેમ મંત્રીશ્રી એ જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લાની શાળાના વિધાર્થીઓ દ્વારા દેશ ભક્તિ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમજ મંત્રી દ્વારા સ્વાતંત્ર્ય સેનાની, પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમજ સમાજ સેવી સંસ્થાઓ સન્માન્યા હતા. આ પ્રસંગે મૂક રવિશંકર મહારાજ સાથે આઝાદીના સમયમાં લડત લડનાર શ્રીમતી સવિતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આઝાદીની ચળવળ દરમિયાન સમાજ સેવા ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શ્રી દિનાનાથ સોમેશ્વર વ્યાસ અને શ્રી સોમેશ્વર પ્રજારામ વ્યાસનું સન્માન તેમના પુત્ર શ્રી હેમંત કુમાર દિનાનાથ વ્યાસે સ્વીકાર્યું હતું.આ પ્રસંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીને જિલ્લાના વિકાસ કામો અર્થે રૂ.૨૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સોનાવાલા સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેકટર બી. એસ પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તેમજ સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનો તેમજ સમાજ સેવકો ઊપસ્થિત રહયા હતા.




