ખેડાની પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોવાથી રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ.
નરેશ ગનવાણી
ખેડા ખાતે આવેલ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં ફેરવાતા પોસ્ટ ઓફિસની હાલત કફોડી બની છે. જોકે ઇન્ટરનેટના જમાનામા પોસ્ટ ઓફિસનું બહુ મહત્વ રહ્યું નથી. પરંતુ એક સમયે આખા બૃહદ ખેડા આણંદ જિલ્લાની સૌથી મોટી હેડ પોસ્ટ ઓફિસ ગણાતી આ પોસ્ટ ઓફિસ હાલ જર્જરીત હાલતમાં ફેરવાઈ છે. ખેડા પોસ્ટ ઓફિસના પ્રવેશ દ્વારના જાપાની શટર પાઇપ સડી ગયા છે. જેના કારણે આખો દરવાજો ખૂલતો નથી માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આવા સમયે દિવ્યાંગ, સિનિયર સિટીઝને આવાજવામાં તકલીફ પડે છે. વળી બહાર દરવાજામાં તેમજ છત પર સળિયા દેખાય છે. અને દિવાલો ઉપર મોટી તિરાડો પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયેલ ખેડા પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જાતની મરામત કરવામાં આવી નથી સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ. તંત્ર દ્વારા સત્વરે પોસ્ટ ઓફિસનુ રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.