બાઇક ચાલકનુ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત, ચાલકનુ મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
બાઇક ચાલકનુ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત, ચાલકનુ મોત નિપજ્યું
કપડવંજના હીરાપુર બસ સ્ટેન્ડ પાસે મોપેડ લઇને પસાર થતા આશાસ્પદ યુવાનનો સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે પરિવારજનોએ પોલીસને જાણ ન કરતા ફરિયાદ નોંધાઈ ન હતી. કપડવંજ તાલુકાના હીરાપુરા (અલવા) ગામના બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં લાલાતૈલીના મુવાડા ગામમાં રહેતા હરેશ રાઠોડ નામનો યુવક પોતાના પરિચીતનું મોપેડ લઇ કપડવંજ કોલેજમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. દરમિયાન હરેશ અને તેના 2 મિત્રો મોપેડ લઈ મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે સમયે હીરાપુરા બસ સ્ટેન્ડ નજીક હરેશે મોપેડના સ્ટેરીંગનો કાબુ ગુમાવતા રોડની બાજુ પર આવેલા ઝાડ સાથે અથડાયો હતો. જ્યારે તેનું મોપેડ તેનાથી 25 ફૂટ દૂર 5 જેટલા થાંભલા તોડી ફંગોળાયું હતું. આ બનાવમાં મોપેડ પાછળ બેઠેલા મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ મૃતકના પરિવારને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાદ મૃતક યુવાનના મૃતદેહને નજીકના આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરી ન હતી. જેથી આરોગ્ય કેન્દ્રમાં મૃતક યુવાનનું પીએમ કરાવ્યા વિના મૃતહેદને લાલાતૈલીના મુવાડા ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ ડી.કે રાઠોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે કોઈ પણ પ્રકારની માહિતી અમને મળી નથી.

