ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંઘનો આદેશ
અનવર ખાન પઠાણ
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવામાં આવી રહ્યો છે. આ માટે દાહોદ જિલ્લામાં ટુ વ્હીલર વાહન ઉપર એક થી વધુ વ્યક્તિના પ્રવાસ પર પ્રતિબંઘ હોવા છતાં ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં આવશ્યક વસ્તુની ખરીદી માટેના છૂટછાટના સમય દરમ્યાન આ છુટનો દુરઉપયોગ કરવામાં આવે છે અને લોકો અનાવશ્યક મુસાફરી કરતા જોવા મળે છે.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંઘ ફરમાવ્યો છે. આવશ્યક વસ્તુઓની ખરીદી માટે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર ટુ વ્હીલર વાહન ચાલકોએ ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી હદ વિસ્તારમાં પ્રવેશ કરતાં પહેલા તેમના વાહનો પોલીસ કર્મચારીઓની સૂચના મુજબ શહેર બહાર પાર્ક કરી શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે.
આ જાહેરનામું ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં લાગુ પડશે અને હુકમ તા. ૧૦/૦૪/૨૦૨૦ થી તા. ૧૪/૦૪/૨૦૨૦ સુધી બંને દિવસો સહિત અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંધન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
#sindhuuday Dahod